11મા ધોરણની તેજસ્વી વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું- ‘મમ્મી-પપ્પા માફ કરજો, મને સ્મશાનના તળાવમાં શોધજો’

નવી દિલ્હી: 15 ફેબ્રુઆરી, 2026: હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મોકાલવાસ ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 11મા ધોરણમાં અભ્યાસ કરતી એક તેજસ્વી વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં એક સુસાઈડ નોટ છોડી હતી, જેમાં તેણે પોતાના અંતિમ સ્થાન વિશે ચોંકાવનારી વિગતો લખી હતી.
શું છે સમગ્ર ઘટના?
ગત 11 ફેબ્રુઆરીની રાત્રે 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાનો યુનિફોર્મ પહેરીને ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ ભારે શોધખોળ કરી અને પિતાએ તો દીકરીની ભાળ આપનારને ₹1 લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે, તપાસ દરમિયાન પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી તેની ડાયરીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી.
સુસાઈડ નોટની હકીકત:
વિદ્યાર્થિનીએ નોટમાં લખ્યું હતું કે, “મમ્મી-પપ્પા મને માફ કરી દેજો, હું દાદાજી પાસે જઈ રહી છું. મને શોધતા નહીં, અને જો શોધવી જ હોય તો સ્મશાનવાળા તળાવમાં શોધજો, હું ત્યાં જ મળીશ.”
તળાવમાંથી મળ્યો મૃતદેહ
સુસાઈડ નોટ મળતા જ પોલીસ અને પરિવારજનો તુરંત સ્મશાન પાસે આવેલા તળાવ (જોહડ) પર પહોંચ્યા હતા. તપાસ કરતા વિદ્યાર્થિનીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ તે રાત્રિના સમયે સ્કૂલ ડ્રેસમાં એકલી જતી જોવા મળી હતી.
આપઘાતનું કારણ અકબંધ
પ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાર્થિની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને પરિવાર સાથે તેને ઘણો પ્રેમ હતો. ઘટનાની રાત્રે પણ તેણે પરિવાર સાથે હસીખુશીથી જમ્યું હતું અને ‘ભણવા જાઉં છું’ તેમ કહીને રૂમમાં ગઈ હતી. પિતા કોર્ટની લાઇબ્રેરીમાં નોકરી કરે છે અને તેને એક મોટો ભાઈ પણ છે. તેજસ્વી દીકરીએ આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો છે અને સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.












