ગુજરાતમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડશે, ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા

Gujarat Weather: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 18 અને 19 માર્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આ આગાહીને કારણે ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વધી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની આશા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 18 માર્ચે દ્વારકા, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજની સંભાવના છે. પવનની સ્પીડ 30-40 કિમી પ્રતિ કલાકની રહેશે, જેનાથી મેઘગર્જના પણ થઈ શકે છે. 19 માર્ચે આ અસર વધુ વિસ્તરશે અને રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને 20 માર્ચે ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 18થી 25 માર્ચ દરમિયાન રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમણે માર્ચના અંતમાં પણ કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેનાથી પાકને નુકસાન થઈ શકે છે. 48 કલાકમાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ.
આ આગાહીને કારણે રાજ્ય તંત્રે ખેડૂતોને APMCમાં અનાજ સુરક્ષિત કરવાની સૂચના આપી છે. તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની પણ આશા છે, જે ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતરૂપ બનશે.
આ પણ વાંચો: સુરતના પાંડેસરા વિસ્તારની ચકચારી ઘટના: ચાર સગીરોનો ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો












