ગુજરાત: ST બસમાં મુસાફરોનો ઘસારો, જાણો કેટલા લાખ ટિકિટનું થયુ બુકિંગ

- દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ થઇ જશે
- 7 ઓક્ટોબરના રોજ, એક જ દિવસમાં 68,051 ટિકિટ બુક થઈ
- અંબાજી, દ્વારકા, સુરત-વલસાડ અને ઉદયપુરના રૂટ પર સૌથી વધુ બસો દોડશે
તહેવાર સમયે એસટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે અલગ-અલગ શહેરમાં વસતા લોકો પોતાના વતને જવા માટે બુકિંગ કરતા હોય છે. તેવામાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) માં મુસાફરોએ બુકિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 17થી 26 ઓક્ટોબર સમયગાળા માટે કુલ 1.74 લાખ ટિકિટ અગાઉથી બુક કરવામાં આવી છે.
7 ઓક્ટોબરના રોજ, એક જ દિવસમાં 68,051 ટિકિટ બુક થઈ
મળતી માહિતી મુજબ, 7 ઓક્ટોબરના રોજ, એક જ દિવસમાં 68,051 ટિકિટ બુક થઈ છે. જેનાથી કોર્પોરેશનને 1.93 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આમાંથી 13,856 ટિકિટ કાઉન્ટર પરથી, 5810 ઈ-બુકિંગ દ્વારા અને અન્ય 43,711 ટિકિટ મોબાઇલ બુકિંગ દ્વારા બુક કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વલસાડ, વડોદરા અને જામનગર જેવા મુખ્ય વિભાગોમાં માગ વધુ જોવા મળી છે, કારણ કે લોકો તેમના વતન જવાની યોજના બનાવી રહ્યા છે.
આ વર્ષે બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે
GSRTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદથી રાજકોટ, જૂનાગઢ, અંબાજી, દ્વારકા, સુરત-વલસાડ અને ઉદયપુરના રૂટ પર સૌથી વધુ બસો દોડશે. આ વધારાની માગને પહોંચી વળવા માટે, આ રૂટ પર 100થી વધુ ખાસ બસો તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં નલ સે જલ યોજનામાં પણ કૌભાંડ, 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદ












