સવારે 10 વાગ્યા સુધી અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ‘ઓરેન્જ એલર્ટ’, ધોધમાર વરસાદની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા સવારના તાજા ‘નાઉ કાસ્ટ’ અનુસાર અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મુસળધાર વરસી શકે છે. વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ખૂબ જ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ
બીજી તરફ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સામાન્ય રહેવાની ગણતરી દર્શાવવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો અને તંત્રને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ બાદ 2 ફુટ જમીન ખસી ગઈ, સેટેલાઈટ ઈમેજમાં ચોંકાવનારો ખુલાસો થયો












