Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી

Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવે ફરી માવઠું થશે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે.
‘હવામાનમાં ફેરફાર થવાની શક્યતા
ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે બપોર બાદ ગરમી તેમજ ફરી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કેટલાક દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે, જો કે હવે ફરી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. ગુજરાતમાં માર્ચ મહિનો પૂરો થવાને હવે ત્રણ દિવસ બાકી છે અને તાપમાનમાં વટઘટ થઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કરી છે. જેની અસર આવતીકાલ (26 માર્ચ 2026)થી 28 માર્ચ 2026 સુધી અનુભવાશે.
ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર, એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે તેમજ ટ્રફ સિસ્ટમ્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર માવઠું થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે
અમદાવાદ હવામાન વિભાગના ડાયેક્ટર એ.કે. દાસના જણાવ્યાનુસાર, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, જો કે ત્યારબાદ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ અમરેલીમાં સૌથી વધુ 37.3 ડિગ્રી તેમજ કેશોદમાં સૌથી ઓછું 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા
ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ચાર દિવસ બાદ એટલે કે 29મી માર્ચે કેટલાક સ્થળોએ છુટાછવાયા તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે 29 માર્ચના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

ફરી એકવાર ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 30મી માર્ચે પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. હવે હવામાન વિભાગની આગાહીને કારણે ફરી એકવાર ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી












