ગુજરાત: નળ સરોવર ફરવા જવાના હોય તો આ સમાચાર ખાસ વાંચો

- દિવાળી વેકેશનની બરાબર મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ
- વેકેશનની મજા માણવા દૂર-દૂરથી આવતા હજારો પ્રવાસીઓને ઘોર નિરાશ
- પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો અને SOP લાગુ કરી છે
ગુજરાતના ગૌરવ સમાન ખ્યાતિ પામેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનની બરાબર મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે શિયાળાની ઋતુ અને વેકેશનની મજા માણવા દૂર-દૂરથી આવતા હજારો પ્રવાસીઓને નિરાશા સાંપડી રહી છે. પક્ષીઓને નજીકથી જોયા વિના માત્ર કિનારેથી સરોવરની ઝલક જોઈને ‘વીલા મોઢે’ પાછા ફરવાનો વારો આવતા પ્રવાસીઓનો ઉત્સાહ ઓસરી ગયો છે.
પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો અને SOP લાગુ કરી છે
આ સમગ્ર પરિસ્થિતિનું મુખ્ય કારણ આશરે જાન્યુઆરી 2024માં વડોદરા ખાતે બનેલી હરણી તળાવ દુર્ઘટના છે. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જળ સ્થાનો પર પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો અને SOP લાગુ કરી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ નળ સરોવરમાં પણ આ નવા નિયમો, જેમાં લાઇફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત છે. તંત્રનું કહેવું છે કે નાવિકોએ સરકાર માન્ય, નવા નીતિ-નિયમો વાળી બોટો લાવવી પડશે. સરકારના નીતિ-નિયમ વાળી નવી બોટની કિંમત અંદાજે રૂ.80,000 થી રૂ.90,000 જેટલી ઊંચી છે.
નવી બોટ ખરીદવા માટે લોન સહાય આપવાની પણ ખાતરી આપવામાં આવી
તંત્ર દ્વારા નાવિક માલિકોને આ નવી બોટ ખરીદવા માટે લોન સહાય આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. આમ છતાં, સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને તેઓ પોતાની જૂની બોટો દ્વારા જ નૌકા વિહાર ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગ સુરક્ષાના કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા બિલકુલ તૈયાર નથી. નળ સરોવરની આસપાસના વેકરીયા, મેની, ધરજી, રાણાગઢ સહિતના 15 જેટલા ગામોના 500થી વધુ પરિવારો મુખ્યત્વે આ પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. આ ગામોના લોકો નાવિક તરીકે બોટિંગ સેવા આપીને, નાસ્તા-ખાદ્ય પદાર્થોના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી જેવી સેવાઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા.
પ્રવેશ ફી અને બોટિંગ ફી દ્વારા થતી આવક ઘટવાથી સરકારી તિજોરી પર પણ તેની નકારાત્મક
બોટિંગ અને ઘોડેસવારી જેવી સેવાઓ બંધ થવાથી, આ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આ વિસ્તારની જમીન ક્ષારયુક્ત અને સિંચાઈ માટે અયોગ્ય હોવાથી, આ પરિવારોની આવકનો મુખ્ય આધાર શિયાળાની 3-4 મહિનાની પ્રવાસન સીઝન પર જ રહેલો છે. બોટિંગ બંધ થવાથી પર્યટકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વન વિભાગ અને રાજ્ય સરકારને પણ આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રવેશ ફી અને બોટિંગ ફી દ્વારા થતી આવક ઘટવાથી સરકારી તિજોરી પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢ: ગિરનારમાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ, વેકેશનમાં આવતા પ્રવાસીઓને હાલાકી












