ગુજરાત: ડિગ્રી વગર લોકોના રૂપિયા લઇ હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં ધરપકડ

- નકલી તબીબ સામે અઢી કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી
- CID ક્રાઈમ બોર્ડર ઝોનની ટીમ દ્વારા આરોપી ડોક્ટરને ભરૂચ ખાતેથી ઝડપ્યો
- ભુજની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ શરૂ કરી
મેડિકલ ડિગ્રી વગર અને લોકોના પૈસે ભુજમાં હોસ્પિટલ બનાવનાર જૈનુલ કાજાણી નામના બોગસ ડોક્ટરને સીઆઈડી ક્રાઈમની ટીમે પકડી પાડ્યો છે. બોગસ સર્ટીફિકેટ ઊભા કરીને શિવાલીકા ગ્રુપના પ્રોપરાઈટર સહિતનાઓ સાથે ભાગીદારીમાં ભુજમાં હોસ્પિટલ શરૂ કરીને ભાંડો ફુટ્યા બાદ રાતો રાત હોસ્પિટલ બંધ કરીને ભાગી જનારા તબીબ સામે અઢી કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.
ભુજની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ શરૂ કરી
સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોનની ટીમ દ્વારા આરોપી ડોક્ટરને ભરૂચ ખાતેથી ઝડપી પાડીને ભુજની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર કે.સી.રાઠોડે જણાવ્યું હતું કે, ‘ભુજ રહેતા આરોપી જૈનુલ અમીઅલી કાજાણી કે, પોતે ડોક્ટર ન હોવા છતાં અમદાવાદના સૃષ્ટિબેનના ગુજરાત મેડીકલ કાઉન્સીલ સર્ટીફિકેટમાં પોતાની માહિતી બતાવીને ડોક્ટર તરીકેના ખોટા સર્ટીફિકેટ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને હોસ્પિટલ ચાલુ કરવા સરકારી કચેરી કચેરીમાં ઉપયોગ કરી રજીસ્ટર્ડ પ્રેક્ટિશનર ન હોવા છતાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યાં હતા.
આરોપી જૈનુલ કાજાણીએ ભુજના ઘનશ્યામનગર ખાતે હોસ્પિટલ બનાવી
આરોપી જૈનુલ કાજાણીએ ભુજના ઘનશ્યામનગર ખાતે હોસ્પિટલ બનાવવા માટે મીરજાપર ખાતે આવેલી શિવાલીકા ફાર્મસીના માલિક અને શિવાલીકા ગ્રૂપના પ્રોપરાઈટર ફરિયાદી અંકિત અનુપગીરી ગોસ્વામી અને અર્જુન અજાણી સહિતનાઓને પોતાના એમ.ડી. તરીકેના બોગસ સર્ટીફીકેટ બતાવી તેમજ અલગ અલગ હોસ્પિટલની કામગીરી તથા ઓપરેશના વીડિયો બતાવીને હોસ્પિટલમાં ભાગીદાર તરીકે રહેવા વિશ્વાસમાં લઈને 2 કરોડ 50 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ આરોપી પાસે રહેલા મેડીકલ સર્ટીફિકેટ તપાસમાં બોગસ નીકળતાં આરોપી તબીબ રાતો રાત હોસ્પિટલ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.












