
Gujarat Monsoon 2026: ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. ભારે વરસાદના કારણે નદીઓ, તળાવો અને કેનાલોમાં પાણીની આવક વધતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો અને શહેરોના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વહીવટી તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપી છે અને રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પ્રભારી સચિવોને જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચવાનો આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના પ્રભારી સચિવોને તાત્કાલિક તેમના ફાળવાયેલા જિલ્લાઓમાં પહોંચવા અને ત્યાં રહીને સ્થિતિ પર સીધી દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. સરકારનું માનવું છે કે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે તો રાહત કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધી શકશે અને જરૂરી નિર્ણયો ઝડપથી લઈ શકાશે.
કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં, અમિત શાહે કરી સ્થિતિની સમીક્ષા
ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરીને રાજ્યના વિવિધ જિલ્લાઓની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ દરમિયાન કેન્દ્ર તરફથી જરૂરિયાત મુજબ તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સતત સંકલન રાખીને રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુરતમાં સરકારનો ખાસ ફોકસ, પ્રફુલ પાનસેરીયા મેદાનમાં ઉતરશે
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર સુરત જિલ્લામાં જોવા મળી રહી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરીયા કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ સીધા સુરત જવા રવાના થયા છે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી આગળની કામગીરી અંગે માર્ગદર્શન આપશે.
શાલિની અગ્રવાલ બોટમાં પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોમાં
સુરતમાં રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહેલા પૂર્વ મનપા કમિશનર શાલિની અગ્રવાલ ખુદ મેદાનમાં ઉતરી આવ્યા છે. તેમણે બોટ દ્વારા પાણીથી ઘેરાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે સતત સંકલન રાખીને તેઓ બચાવ કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે જેથી ફસાયેલા લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડી શકાય.
ખટોદરા સહિતના વિસ્તારોમાં NDRFની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ અભિયાન હાથ ધર્યું છે. અનેક પરિવારો, વૃદ્ધો અને બાળકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
રાહત કામગીરીને વધુ વેગ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ
રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, NDRF અને અન્ય બચાવ એજન્સીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સ્થળાંતર કરવા તેમજ અનાવશ્યક બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવાની અપીલ કરી છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્ય સરકારનું કહેવું છે કે જનહિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ સંસાધનોનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો: ચોમાસામાં મોબાઈલમાં આજે જ ડાઉનલોડ કરો ‘દામિની એપ’, વીજળી પડતા પહેલાં મળશે લાઈવ ચેતવણી












