રેશનમાં ચોખા પર કાપ: વ્યક્તિદીઠ 3 કિલોના બદલે હવે માત્ર 1 કિલો, બાજરીનો જથ્થો વધારાયો
અમદાવાદ: રાજ્યમાં સરકારી સસ્તા અનાજની દુકાનો પરથી રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી કાર્ડધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવામાં આવતા હતા, પરંતુ સપ્ટેમ્બર મહિનાથી આ પ્રમાણ ઘટાડીને વ્યક્તિદીઠ માત્ર 1 કિલો કરવામાં આવ્યું છે. રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ નિર્ણયને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય રેશનકાર્ડ ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે.
દાળ-ભાત અને ખીચડી ખાનારા પરિવારોની મુશ્કેલી વધી
નવી વ્યવસ્થા મુજબ વ્યક્તિદીઠ ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના બદલે પૌષ્ટિક અનાજ તરીકે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ઓછી માત્રામાં મળી રહ્યા છે, જ્યારે ઘઉં અને બાજરીનો જથ્થો વધુ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતી પરિવારોના રોજિંદા આહારમાં ચોખાનું વિશેષ મહત્વ છે. અનેક પરિવારોમાં દાળ-ભાત અને ખીચડી નિયમિત રીતે બનાવવામાં આવે છે. રેશનકાર્ડ ધારકોના જણાવ્યા મુજબ તેમના ઘરોમાં ઘઉં અને બાજરીની સરખામણીએ ચોખાનો વપરાશ વધુ થાય છે. આવા સંજોગોમાં ચોખાના જથ્થામાં અચાનક ઘટાડો થતા પરિવારોની મુશ્કેલી વધી છે.
ખુલ્લા બજારમાંથી ચોખા ખરીદવાથી બજેટ પર ભાર
કાર્ડધારકોનું કહેવું છે કે રેશનમાંથી પૂરતા ચોખા નહીં મળે તો તેમને ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ચોખા ખરીદવા પડશે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ વધારાનો ખર્ચ ઘરનું માસિક બજેટ ખોરવી શકે છે.
અગાઉ પુરવઠા વિભાગ તરફથી વ્યક્તિદીઠ 1 કિલો બાજરી આપવામાં આવતી હતી. સપ્ટેમ્બર મહિનાથી બાજરીનું પ્રમાણ વધારીને વ્યક્તિદીઠ 2 કિલો કરવામાં આવ્યું છે. રેશન દુકાનો પર નવા પ્રમાણ મુજબનો અનાજનો જથ્થો પણ પહોંચી ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બાજરીના બદલે ચોખા આપવા કાર્ડધારકોની માંગ
બીજી તરફ રેશનકાર્ડ ધારકોમાં એવી ચર્ચા છે કે વધારાની બાજરીનો ઉપયોગ તેમની રોજિંદી જરૂરિયાત પ્રમાણે થતો નથી. ગ્રાહકો રેશન દુકાન સંચાલકો સમક્ષ બાજરીના બદલે અગાઉની જેમ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ચોખાના જથ્થામાં ઘટાડાને લઈને કાર્ડધારકોમાં અસંતોષ વધ્યો છે અને રાજ્ય સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર કરી જૂની વ્યવસ્થા ફરી અમલમાં મૂકે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળથી મુસાફરો બેહાલ, સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ભારે હાલાકી












