ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

“પોલીસ કસ્ટડીમાં ડ્રગ્સ પાર્ટી, ઉંદરો બન્યા VIP ગેસ્ટ”, CAG રિપોર્ટમાં ખુલાસો

CAG Report: વિચાર કરો કે ગુજરાત પોલીસે મહેનતથી પકડેલા 6510 કિલો ડ્રગ્સમાંથી અચાનક 2332 કિલો એટલે કે આશરે 35% ગાયબ થઈ જાય અને સરકાર કહે કે, આતો ઉંદરો ખાઈ ગયા તો માનવામાં આવે ખરુ? આ કોઈ મજાક નથી, પણ CAG રિપોર્ટમાં સામે આવેલી કડવી વાસ્તવિકતા છે, જે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવી છે. નવાઈની વાત છે સરકાર ડ્રગ્સની તસ્કરી રોકવાની અને “ડ્રગ-ફ્રી ગુજરાત”ની મોટી-મોટી વાતો તો કરે છે, પણ પોતાની કસ્ટડીમાં જ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગાયબ થઈ જાય છે. તો જવાબદારી કોની? ઉંદરોની કે વ્યવસ્થાની?

મતલબ કે, હવે ઉંદોરો પણ ગુજરાતમાં ડ્રગ્સ પાર્ટી કરતા થઈ ગયા છે, કારણ કે સામાન્ય ઉંદર તો ચોખા-ઘઉં ખાતા હોય છે, પણ આ તો સીધા ગાંજા-ચરસ-અફીણ પર તુડી પડ્યા છે. સરકારને હવે કહેવું પડે છે કે, “મહેરબાની કરીને હવે ઉંદરોને બહાનું બનાવવાનું બંધ કરો અને જવાબદેહી નક્કી કરો, કારણ કે આ ઉંદરો માત્ર ડ્રગ્સ જ નહીં, તમારો જનતા પરથી વિશ્વાસ પણ ખાઈ રહ્યાં છે.”

CAG રિપોર્ટમાં ખુલાસો

ઓક્ટોબર 2022થી જુલાઈ 2023 વચ્ચે ગુજરાત પોલીસે વિવિધ કાર્યવાહીમાં 6510.54 કિલો માદક પદાર્થો જપ્ત કર્યા હતા. તેમાંથી માત્ર 4177.86 કિલોનો જ નાશ કરવામાં આવ્યો. બાકીના 2332.68 કિલોનો કોઈ હિસાબ નથી. ગૃહ વિભાગે વિધાનસભામાં જણાવ્યું કે 144 કિલો ગાંજો તો ચોરી થઈ ગયો, જ્યારે બાકીનો ઉંદરો અને ભેજના કારણે નાશ પામ્યો. વિચારો કે સરકાર પોતે જ કહે છે કે અમારી જ કસ્ટડીમાંથી ગાંજો ચોરી થઈ ગયો પણ તોય આપણે તો માનવાનું જ કે રાજ્ય સુરક્ષિત હાથોમાં છે. જોકે, કેગે આ સમજાવટને સીધી અસ્વીકાર કરી છે. કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ગાયબ થવાનું કારણ ઉંદરો કે ભેજ નથી, આ તો સ્ટોરેજ અને સુરક્ષાની મોટી ખામી છે.”

શું પોલીસ કસ્ટડીમાં ક્યાંય સુરક્ષિત વોલ્ટ નથી?

રિપોર્ટ અનુસાર, ડ્રગ્સને સામાન્ય રૂમમાં રાખવામાં આવતા હતા, ત્યાં કોઈ વિશેષ વોલ્ટ કે સુરક્ષા વ્યવસ્થા નહોતી. ફોરેન્સિક રિપોર્ટ પણ વર્ષો સુધી પેન્ડિંગ રહેતા હતા. એટલે કે ડ્રગ્સનો કાનૂની નાશ પણ વહેલો નહોતો થતો. કેગે સ્પષ્ટ સૂચન કર્યું છે કે, ડેડિકેટેડ ડ્રગ વોલ્ટ્સ બનાવો, સમયસર નાશ કરો અને સુરક્ષા વધુ કડક બનાવો.

આ ઉંદરો તો ગુજરાતને અંદરથી ખાઈ રહ્યા છે

આમ આદમી પાર્ટીએ આ મુદ્દે X પર લખ્યું, “ગુજરાતમાં ઉંદરો પોલીસ કસ્ટડીમાં રાખેલા 2300 થી વધારે કિલો ડ્રગ્સ ખાઈ ગયા. આ દાવો ગૃહ વિભાગે વિધાનસભામાં કર્યો છે. તેઓ કોને બેવકૂફ બનાવી રહ્યા છે? હકીકતમાં તો સરકારના અસલી ઉંદરો છેલ્લા 30 વર્ષથી આખા ગુજરાતને અંદરથી ખાઈ રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઘટના ફરી એક વાર ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે. કેગની સલાહ મુજબ જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવી ઉંદર-પાર્ટીઓ વધુ વખત થઈ શકે છે. ગુજરાતની “ડ્રગ્સ-ફ્રી” છબીને આ ઘટનાએ મોટો આઘાત પહોંચાડ્યો છે. હવે જોવાનું રહ્યું કે, સરકાર આ “ચૂહા-કાંડ” પર શું કાર્યવાહી કરે છે?

આ પણ વાંચો: Hormuz Strait: યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, LPG ભરેલું ‘જગ વસંત’ વાડીનાર પહોંચ્યું

Back to top button