ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી બજેટ રજૂ કરશે, જાણો ગુજરાતની જનતાને શું મળશે

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે અને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે રાજ્યની જનતાની નજર આ બજેટ પર રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘GYAN’ મોડેલ પર કેન્દ્રિત રહી બજેટ રજૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિ—આ ચાર સ્તંભોને કેન્દ્રમાં રાખી વિકાસયોજનાઓ જાહેર થઈ શકે છે.

સરકાર દ્વારા સામાજિક સુરક્ષા યોજનાઓમાં વધારો, યુવાનો માટે રોજગારમુખી તાલીમ અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, ખેડૂતો માટે આધુનિક ખેતી સાધનો અને બજાર જોડાણ જેવી પહેલો જાહેર થવાની શક્યતા છે. નારી શક્તિ સશક્તિકરણ માટે સ્વરોજગાર, સ્વસહાય જૂથો અને આરોગ્ય સુરક્ષા યોજનાઓમાં વધારો થવાની ચર્ચા છે.

સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે મોટી પહેલ

રાજ્યને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવા માટે વિશેષ પેકેજ જાહેર થઈ શકે છે. ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે કરરાહતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મુકાઈ શકે છે. સાથે સાથે ગ્રીન હાઈડ્રોજન મિશન, રિન્યુએબલ એનર્જી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો શક્ય છે.

કૃષિ અને સિંચાઈમાં વધારો

કૃષિ ક્ષેત્રે ‘બીજથી બજાર સુધી’નો મંત્ર અપનાવી ખેડૂતોને સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ આપવા પર ભાર મુકાઈ શકે છે. સિંચાઈ યોજનાઓની ફાળવણીમાં આશરે 20 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેનાથી ખેતીમાં ઉત્પાદનક્ષમતા વધારવાનો સરકારનો પ્રયાસ રહેશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે કરોડોની જોગવાઈ પણ બજેટમાં સામેલ થઈ શકે છે.

 શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન

શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ-કોલેજ અપગ્રેડેશન અને સ્કોલરશિપ યોજનાઓમાં વધારો થવાની સંભાવના છે. આરોગ્ય ક્ષેત્રે નવી હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આધુનિકીકરણ માટે વિશેષ ફાળવણી થઈ શકે છે.

 ગૃહ કાર્યવાહી: પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત

વિધાનસભા ગૃહની કાર્યવાહી આજે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. ગૃહ, રમતગમત અને MSME વિભાગોના પ્રશ્નો રજૂ થશે. યાત્રાધામ વિકાસ અને ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. કાયદો-ન્યાયતંત્ર અને મીઠા ઉદ્યોગ અંગેના પ્રશ્નો પણ સભામાં ઉઠાવવામાં આવશે.

વધારાના ખર્ચ અને પૂરક ખર્ચ પત્રકો પણ ગૃહમાં રજૂ થશે

ઉપરાંત, વધારાના ખર્ચ અને પૂરક ખર્ચ પત્રકો પણ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. સમગ્ર રાજ્યની નજર હવે સરકારના બજેટ પર ટકેલી છે, જેમાં વિકાસ અને કલ્યાણ બંનેને સંતુલિત રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

Back to top button