જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા: ગુજરાતની વિવિધ જેલોના 44 કેદીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી
Gujarat Jail Inmates Board Result: ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓના જીવનમાં શિક્ષણ અને માનવીય અભિગમના કારણે એક મોટું વૈચારિક પરિવર્તન આવી રહ્યું છે. જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓની પાછળ સામાન્ય રીતે અંધકાર અને પસ્તાવો જોવા મળતો હોય છે, પરંતુ રાજ્ય સરકાર અને જેલ પ્રશાસનની મહેનતના પરિણામે આ અંધારી કોટડીઓ હવે જ્ઞાનની પાઠશાળામાં ફેરવાઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં બંધ કુલ 44 બંદીવાનોએ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે. આ અંગે રાજ્યના જેલ વડા (પોલીસ મહાનિદેશક) ડૉ. કે. એલ. એન. રાવે જણાવ્યું કે, શિક્ષણના કારણે કેદીઓ નકારાત્મકતા અને ડિપ્રેશનમાંથી બહાર આવીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે.
ધોરણ-10 અને 12ના પરિણામોમાં કેદીઓનો દબદબો
આ વર્ષે જાહેર થયેલા બોર્ડના પરિણામોમાં જેલના કેદીઓનું પ્રદર્શન અત્યંત પ્રોત્સાહક રહ્યું છે. કુલ 44 સફળ બંદીવાનોમાંથી ધોરણ-10 (SSC) ની પરીક્ષામાં 22 કેદીઓ અને ધોરણ-12 (HSC) ની પરીક્ષામાં પણ 22 કેદીઓએ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને શિક્ષણનો પ્રકાશ મેળવ્યો છે. જેલ પ્રશાસનના માનવીય અભિગમને કારણે કેદીઓના અંધકારમય જીવનમાં આ શૈક્ષણિક સફળતા એક નવી આશા લઈને આવી છે.
ફોર્મ ભરવાથી લઈને સ્પેશિયલ ક્લાસ સુધીની તમામ સુવિધાઓ
બંદીવાનો જેલ પરિસરમાં રહીને કોઈ પણ અડચણ વગર અભ્યાસ કરી શકે તે માટે જેલ વિભાગ દ્વારા પાયાની તમામ સવલતો પુરી પાડવામાં આવી હતી. કેદીઓના પરીક્ષા ફોર્મ ભરવા, પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક સામગ્રી આપવા ઉપરાંત જેલની અંદર જ વિષય નિષ્ણાતો અને શાળા-કોલેજના શિક્ષકોના વિશેષ લેક્ચર્સ ગોઠવવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, જેલની અંદર જ બોર્ડના પરીક્ષા સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કેદીઓને પરીક્ષા આપવા માટે સાનુકૂળ અને ભયમુક્ત વાતાવરણ મળી રહે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડિપ્રેશન અને અંધકારમાંથી બહાર આવ્યા કેદીઓ
પરીક્ષામાં પાસ થયેલા કેદીઓએ પોતાના હૃદયસ્પર્શી અનુભવો શેર કર્યા હતા. એક કેદીએ જણાવ્યું કે, “સજા મળ્યા બાદ મને લાગતું હતું કે મારું જીવન હવે સમાપ્ત થઈ ગયું છે અને હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. પરંતુ જેલમાં શરૂ કરાયેલા રેડિયો પ્રીઝન, વેલ્ફેર ઓફિસ અને જેલ અધિકારીઓના કાઉન્સેલિંગે મને નવું જીવન આપ્યું. આજે બોર્ડ પાસ કરીને મને વર્ષો બાદ ફરી જીવતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.” જ્યારે ધોરણ-12 પાસ કરનાર અન્ય એક કેદીએ પોતાની આકાંક્ષા વ્યક્ત કરતા કહ્યું કે, જેલમાં હોવા છતાં તેના સપના જીવંત છે. તે જેલમાં સંગીતના ક્લાસ ભણે છે અને મુક્ત થઈને સમાજમાં એક સારો ગાયક બનવા માંગે છે. જેલમાં ઊભી કરાયેલી આધુનિક લાઈબ્રેરી અને ઓડિયો બુક્સ કેદીઓમાં સકારાત્મક વિચારસરણી જગાવવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.
સફળ કેદીઓ અને તેમના બાળકોનું કરાશે બહુમાન
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે તમામ સફળ 44 બંદીવાનોને વિશેષ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, શિક્ષણના આ અવસરને બિરદાવવા માટે તમામ સફળ બંદીવાનોને જેલ વિભાગ દ્વારા સત્તાવાર પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, જેલના કેદીઓના જે પ્રતિભાશાળી બાળકો બહાર સમાજમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેમને પણ પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આયોજન કરાશે.
આ પણ વાંચો: 133 તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી પૂર્ણ, ફટાકડા સાથે જીતની ઉજવણી











