બાપુના નિવેદનથી સવર્ણ સમાજમાં રોષ, ‘માફી નહીં તો અનામત આંદોલનની જેમ રસ્તા પર ઉતરીશું’
Shankersinh Vaghela Statement Controversy: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના અનામત અને સવર્ણ સમાજને લઈને કરાયેલા નિવેદન બાદ રાજ્યના રાજકીય અને સામાજિક માહોલમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર, બ્રહ્મસમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ વાઘેલાના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે અને જાહેરમાં માફી માંગવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદન પર અડગ રહ્યા છે અને માફી માંગવાનો ઇનકાર કર્યો છે.
શું કહ્યું હતું શંકરસિંહ વાઘેલાએ?
2 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસી ખેડૂતોના કાર્યક્રમને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ અનામત વ્યવસ્થાનો બચાવ કર્યો હતો. આ દરમિયાન તેમણે અનામતનો વિરોધ કરનારા પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જો તેઓ મેલું ઉપાડવાનું કામ કરવા તૈયાર હોય તો તેઓ મહિને 50 હજાર રૂપિયા આપવા તૈયાર છે. તેમના આ નિવેદન બાદ વિવિધ સમાજના અગ્રણીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી.
‘અપમાન ચલાવી લેવામાં નહીં આવે’
પાટીદાર સમાજ સાથે જોડાયેલા આગેવાનો અને વિવિધ સામાજિક સંગઠનોએ વાઘેલાના નિવેદનને અપમાનજનક ગણાવ્યું છે. પૂર્વ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા આગેવાનો તરફથી પણ મુદ્દાને આગામી દિવસોમાં વધુ આક્રમક રીતે ઉઠાવવાના સંકેત આપવામાં આવ્યા છે.
સામાજિક સંગઠનોનું કહેવું છે કે વાઘેલાએ પોતાના નિવેદન માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. અન્યથા રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી કરવામાં આવશે. તાજા અહેવાલો અનુસાર, વિરોધીઓએ જરૂર પડે તો 2015ના પાટીદાર અનામત આંદોલનની જેમ રસ્તા પર ઉતરવાની ચીમકી પણ આપી છે.
જાહેર કાર્યક્રમોના વિરોધની ચીમકી
વિવાદ વધતા પાટીદાર, બ્રહ્મસમાજ અને અન્ય સામાજિક સંગઠનો વચ્ચે આગામી રણનીતિ નક્કી કરવા ચર્ચા શરૂ થઈ છે. શંકરસિંહ વાઘેલાના આગામી જાહેર કાર્યક્રમોનો વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
કેટલાક સંગઠનો અને આગેવાનો વાઘેલાના નિવેદન અંગે કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા હોવાના દાવા પણ સામે આવ્યા છે. રાજકોટના બ્રહ્મસમાજ તરફથી પણ વાઘેલાને માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
વાઘેલા માફી માંગવા તૈયાર નથી
વિરોધ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં માફી માંગવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનનો હેતુ કોઈ ચોક્કસ સમાજનું અપમાન કરવાનો નહોતો. તેમણે દાવો કર્યો કે તેમની ટિપ્પણી અનામતનો વિરોધ કરતી માનસિકતા અને ભાજપ સરકારની નીતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
વાઘેલાએ એમ પણ કહ્યું કે તેઓ પોતાના નિવેદનથી પાછળ હટવાના નથી. તેમના મતે અનામતને માત્ર કોઈ સુવિધા તરીકે નહીં, પરંતુ ઐતિહાસિક સામાજિક ભેદભાવ અને વંચિતતાના સંદર્ભમાં જોવી જોઈએ.
ગુજરાતના રાજકારણમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતા
શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હવે માત્ર રાજકીય નિવેદન-પ્રતિનિવેદન પૂરતો સીમિત રહ્યો નથી. વિવિધ સમાજના સંગઠનો એક મંચ પર આવી આગામી કાર્યક્રમો અંગે નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ વાઘેલા પોતાના નિવેદન પર અડગ હોવાથી આગામી દિવસોમાં આ મુદ્દે વિરોધ કાર્યક્રમો અને રાજકીય પ્રતિક્રિયાઓ વધુ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ઓનલાઈન પતિ શોધવા જતાં NRI મહિલાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો, અનેક મહિલા સાથે લફરા હતા












