અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદીઓ સાવધાન: રસ્તા પર ફરતા 15 વર્ષ જૂના વાહનો સીઝ થશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ, જાહેર સુવિધાઓની જાળવણી અને ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવ્યા છે. બુધવારે યોજાયેલી રિવ્યુ બેઠકમાં કમિશનરે વિવિધ વિભાગોના અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને અનેક મુદ્દે આકરા નિર્દેશો આપ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરતા બાંધકામ સ્થળોને સીલ કરવા, 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવા અને દબાણો દૂર કરવામાં નિષ્ફળ અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારવા સુધીની સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં ડેપ્યુટી કમિશનરોની કાર્યપદ્ધતિ સામે પણ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉના ડેપ્યુટી કમિશનરોના કાર્યકાળમાં આવા પ્રશ્નો તેમની સમક્ષ આવતા નહોતા તેવી ટકોર કરીને તેમણે અધિકારીઓને કામગીરીમાં સુધારો લાવવા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

એરપોર્ટ અને રાયખડમાં નિયમ વિરુદ્ધ ચાલતાં બાંધકામો સીલ કરાશે

શહેરમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે આરટીઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટ અને રાયખડ વિસ્તારમાં નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહેલાં બાંધકામ સ્થળોને સીલ કરવાની કમિશનરે સૂચના આપી હતી.

આ ઉપરાંત 15 વર્ષથી જૂનાં વાહનોને સીઝ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. પ્રદૂષણ નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, આરટીઓ અને GPCB વચ્ચે સંકલન વધારીને કડક કાર્યવાહી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

શહેરનાં 4,500 બસ સ્ટેન્ડ પર લાઇન દોરવાની કામગીરી ઝડપી બનાવવા આદેશ

જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે શહેરનાં 4,500 બસ સ્ટેન્ડ પર લાઇન દોરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કમિશનરે તાકીદ કરી હતી. બસ સ્ટેન્ડ પર યોગ્ય માર્કિંગ કરવામાં આવે, જેથી બસો નિર્ધારિત જગ્યાએ જ ઊભી રહે અને ટ્રાફિકને અવરોધ ન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

દબાણો દૂર કરવામાં નિષ્ફળ અધિકારીઓને શો-કોઝ નોટિસની ચીમકી

શહેરમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી અને શાકમાર્કેટની આસપાસના રસ્તાઓ પર થયેલાં દબાણો દૂર કરવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દબાણો દૂર કરવાની કામગીરીમાં ઢીલાશ દાખવનારા અધિકારીઓ સામે કમિશનરે લાલ આંખ કરી હતી.

જે અધિકારીઓ દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેશે તેમને શો-કોઝ નોટિસ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ કામગીરીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓની જવાબદારી નક્કી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

જાહેર શૌચાલયોની બિસ્માર હાલત જોઈ કમિશનર નારાજ

બેઠકની શરૂઆત જાહેર શૌચાલયોના બ્લોક અંગેના પ્રેઝન્ટેશનથી કરવામાં આવી હતી. પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં જાહેર શૌચાલયોની જાળવણીમાં અનેક ખામીઓ સામે આવી હતી. ક્યાંક પેઇન્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નહોતું તો ક્યાંક દરવાજા, બારીઓ, લાઇટ અને પાઇપલાઇનની સમસ્યાઓ જોવા મળી હતી.

આ મુદ્દે કમિશનરે ડેપ્યુટી કમિશનરોને આડે હાથ લીધા હતા. કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવા બદલ પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. શૌચાલયોની આસપાસ થયેલાં દબાણો દૂર કરવા પણ આદેશ આપ્યો હતો.

શહેરમાં 52 નવા શૌચાલય બ્લોક બનાવવાનું આયોજન છે, જેમાંથી 27 સ્થળોની ઓળખ કરી લેવામાં આવી છે. આ સ્થળોએ કામગીરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ, સ્માર્ટ ટોઇલેટની વાસ્તવિક સ્થિતિ જાણવા વિજિલન્સ ટીમ દ્વારા સર્વે કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શહેરમાં 76 ટકા કચરાનું સેગ્રિગેશન, ‘સંવેદના’ પ્રોજેક્ટ હેઠળ અનોખી પહેલ

ઘન કચરાના વ્યવસ્થાપન અંગેની સમીક્ષામાં અમદાવાદમાં 76 ટકા કચરાનું સેગ્રિગેશન થતું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડિજિટલાઇઝેશનની કામગીરી પણ લગભગ પૂર્ણતાને આરે હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

‘સંવેદના’ પ્રોજેક્ટ અંતર્ગત બલ્ક વેસ્ટ જનરેટ કરતી હાઉસિંગ સોસાયટીઓ અને મોલમાંથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ એકત્રિત કરવાની યોજના બનાવવામાં આવી છે. આ માટે વાહનો મોકલવામાં આવશે અને એકત્રિત થયેલી વસ્તુઓ જરૂરિયાતમંદ તથા ગરીબ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.

સફાઈ કામદારોનાં બાળકોને મળશે 2,000થી વધુ પુસ્તકો

બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પુસ્તક મેળામાં એકત્રિત થયેલાં 2,000થી વધુ પુસ્તકો મ્યુનિસિપલ સફાઈ કામદાર કલ્યાણ બોર્ડના સફાઈ કામદારોનાં બાળકોને વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં નાની ઉંમરથી જ નાગરિક તરીકેની ફરજ અને સિવિક સેન્સ વિકસે તે માટે વિશેષ આયોજન કરવામાં આવશે. આ અભિયાનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેમના વાલીઓને પણ તાલીમ આપવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં CNG ભાવમાં વધારો:અદાણી કંપનીએ ફરી રૂ.2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર

Back to top button