દિવાળી પહેલાં CNG ભાવમાં વધારો:અદાણી કંપનીએ ફરી રૂ.2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર
અમદાવાદ: દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદીઓના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર મોટો વધારો કરવામાં આવ્યો છે. માત્ર 14 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત CNGના ભાવ વધારવામાં આવતા વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વખતે પ્રતિ કિલો CNGના ભાવમાં રૂ.2.30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના પગલે CNGનો નવો ભાવ રૂ.100.77ને પાર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 23 ઓક્ટોબર, 2026ના રોજ અદાણી દ્વારા CNGના ભાવમાં એકસાથે રૂ.4થી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ CNGનો ભાવ પ્રતિ કિલો રૂ.98.47 થયો હતો. હવે ફરી રૂ.2.30નો વધારો થતાં CNGનો ભાવ રૂ.100.77 પર પહોંચ્યો છે. આમ, દિવાળી પહેલાં જ વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે.
ત્રણ મહિનામાં CNGના ભાવમાં સતત વધારો
CNGના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ 1 ઓગસ્ટના રોજ પ્રતિ કિલો CNGના ભાવમાં રૂ.4નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં ફરી એકસાથે રૂ.4થી વધુનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. હવે ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં ફરી ભાવ વધતાં CNGના ભાવ ત્રણ મહિનામાં જ આસમાને પહોંચી ગયા છે.
રિક્ષા-ટેક્સીના ભાડામાં પણ થઈ શકે છે વધારો
CNGના ભાવ રૂ.100ને પાર થતાં તેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડવાની શક્યતા છે. ખાસ કરીને CNG પર આધારિત રિક્ષા અને ટેક્સીચાલકોના ખર્ચમાં વધારો થશે. ઇંધણનો ખર્ચ વધતાં રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ ભાવવધારાની અસર માત્ર વાહનચાલકો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ રોજિંદા મુસાફરી માટે રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા મુસાફરોને પણ તેનો માર સહન કરવો પડી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તહેવાર ટાણે જ મોંઘવારીનો માર
એક તરફ દિવાળીના તહેવારને લઈને લોકો ખરીદી અને અન્ય ખર્ચનું આયોજન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ CNGના ભાવમાં સતત થઈ રહેલો વધારો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવી શકે છે. પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ખર્ચ વચ્ચે હવે CNGના ભાવમાં થયેલા વધારાએ પણ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
દિવાળી પહેલાં જ CNGનો ભાવ રૂ.100ને પાર પહોંચતા વાહનચાલકોમાં નારાજગી છે. હવે જો આ ભાવવધારાની અસર રિક્ષા અને ટેક્સીના ભાડા પર પડે તો તહેવારના માહોલમાં સામાન્ય મુસાફરોને પણ મોંઘવારીનો વધુ એક ઝટકો સહન કરવો પડી શકે છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો ઈરાન યુદ્ધ પર મોટો ખુલાસો, કહ્યું ફરી તક મળે તો ફરી હુમલો કરું











