ગુજરાતટ્રેન્ડિંગ

Ahmedabad : કાંકરિયા બન્યું ટુરિઝમનું પાવરહાઉસ, વેકેશન દરમિયાન લાખો પ્રવાસીઓ ઉમટ્યા

Ahmedabad News: અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ ઉનાળુ વેકેશન 2026 દરમિયાન પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે.

આટલા લોકોએ લીધી મુલાકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ, 27 એપ્રિલથી 3 જૂન, 2026 દરમિયાન કુલ 6,72,785 પ્રવાસીઓએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા કાંકરિયાની લોકપ્રિયતા અને તેના સફળ વિકાસ મોડલને પ્રતિબિંબિત કરે છે.

કાંકરિયા લેકફ્રન્ટ ચર્ચાનું કેન્દ્ર બન્યું

ગુજરાત સરકાર આગામી 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ કરી રહી છે. મધ્ય ગુજરાત માટે આયોજિત આ કોન્ફરન્સમાં પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રને ફોકસ સેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં કાંકરિયા લેકફ્રન્ટ પ્રવાસન આધારિત શહેરી વિકાસના સફળ મોડલ તરીકે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું કાંકરિયા લેકફ્રન્ટ આજે રાજ્યના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. એક સમયે માત્ર તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે જાણીતું કાંકરિયા તળાવ હવે આધુનિક સુવિધાઓ, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકસિત થયું છે. પરિણામે ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.

લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સામેલ

વર્ષ 2008માં કાંકરિયા લેકફ્રન્ટનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર, 2008ના રોજ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિડેવલપમેન્ટ બાદ અહીં વિશ્વસ્તરીય સુવિધાઓ, મનોરંજનના વિવિધ વિકલ્પો અને સાંસ્કૃતિક આકર્ષણો ઉમેરાતા કાંકરિયા રાજ્યના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સામેલ થયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શહેરી વિકાસને નવી દિશા આપી

પ્રવાસન નિષ્ણાતોના મતે કાંકરિયા લેકફ્રન્ટની સફળતા એનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે પ્રવાસન ક્ષેત્રમાં કરવામાં આવેલા વ્યૂહાત્મક રોકાણો શહેરી વિકાસને નવી દિશા આપી શકે છે. આ સ્થળે માત્ર પ્રવાસીઓને આકર્ષ્યા નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કાંકરિયામાં વધતી મુલાકાતીઓની સંખ્યાના કારણે શહેરના હૉસ્પિટાલિટી, ખાણી-પીણી અને રિટેલ ક્ષેત્રોને નોંધપાત્ર લાભ મળ્યો છે. સ્થાનિક વેપારીઓ અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને રોજગારીની નવી તકો મળી છે, જેના કારણે શહેરના આર્થિક વિકાસને પણ ગતિ મળી છે. પ્રવાસન અને સંસ્કૃતિ આધારિત વિકાસના સફળ મોડલ તરીકે કાંકરિયા લેકફ્રન્ટ હવે ગુજરાત માટે ગૌરવનું પ્રતિક બની રહ્યું છે. આગામી VGRC દરમિયાન પણ કાંકરિયાના આ વિકાસ મોડલને પ્રાદેશિક અને ટકાઉ આર્થિક વિકાસના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુનો તોડશે રેકોર્ડ
Back to top button