
Honey Trap Case: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય એક નિવૃત્ત બેંક કર્મચારીને સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા અત્યંત ભારે પડી છે. ઓક્ટોબર 2025 માં ફેસબુકના માધ્યમથી તેમનો ‘પાયલ’ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. થોડા સમયની ઓનલાઇન વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. ત્યારબાદ યુવતીએ વૃદ્ધને મળવા માટે દહેગામ રોડ પાસે બોલાવ્યા હતા, જ્યાં તેમની સાથે હનીટ્રેપ અને તોડબાજીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
ગાડીમાં બેસતા જ નકલી પોલીસ ત્રાટકી
વૃદ્ધ જ્યારે દહેગામ રોડ પર પહોંચ્યા ત્યારે પાયલ તેમની ગાડીમાં આવીને બેઠી હતી. જોકે, ગણતરીની સેકન્ડોમાં જ એક બાઇક પર બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આ બંને શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને વૃદ્ધને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે પાયલનું નામ નાર્કોટિક્સ કેસમાં બોલે છે અને આ કેસમાં તેમનું નામ પણ આવી જશે. ખોટા કેસ અને જેલના ડરથી ગભરાઈ ગયેલા વૃદ્ધ પાસેથી આ ટોળકીએ અલગ-અલગ તારીખે કુલ 24 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા.
ફરી 7 લાખની માંગણી થતાં પીડિતે પુત્રને જણાવી હકીકત
મોટી રકમ પડાવી લીધા બાદ પણ આ ગઠિયાઓની ભૂખ સંતોષાઈ નહોતી. 5 ઓક્ટોબર ના રોજ તેમણે ફરીથી વૃદ્ધનો સંપર્ક કરીને વધુ 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વારંવારની ધમકીઓથી ત્રાસી ગયેલા વૃદ્ધે આખરે હિંમત કરીને પોતાના પુત્રને આખી ઘટનાથી માહિતગાર કર્યા. પુત્ર અને વૃદ્ધે પોલીસની મદદથી આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે 1 લાખ રૂપિયા આપવાની તૈયારી દર્શાવીને તેમને પકવાન સર્કલ પાસે બોલાવ્યા હતા.
1 લાખ રોકડા સાથે 1 આરોપી પકડાયો
નક્કી કર્યા મુજબ વૃદ્ધ જ્યારે પકવાન સર્કલ પાસે પૈસા આપવા ગયા ત્યારે ત્રણ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. વૃદ્ધે ચાલાકી વાપરીને માંગણી કરી કે, “મને લેખિતમાં આપો કે આ કેસ હવે પૂરો થઈ જશે.” આ સાંભળતા જ બે શખ્સોને શંકા જતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જ્યારે એક શખ્સ 1 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. વૃદ્ધે તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં ઝોન 7 LCB ના PSI એચ.આર વાઘેલાની ટીમે નાકેબંધી કરીને નાસી રહેલા આરોપીને 1 લાખ રોકડા સાથે દબોચી લીધો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પાયલ સહિત અન્ય 3 ગઠિયાઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન
પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ અલ્પેશ સોલંકી (રહે. બોટાદ) તરીકે થઈ છે. તેણે કબૂલાત કરી હતી કે તે તેના સાગરીતો કિશન ઉર્ફે કાનો પરમાર (બોટાદ) અને લાલા (મહેસાણા) સાથે પૈસા લેવા આવ્યો હતો. હાલમાં કિશન, લાલા અને હનીટ્રેપ કરનાર પાયલ નામી યુવતી ફરાર છે. અમદાવાદ પોલીસે ત્રણેય ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર: સપ્ટેમ્બરમાં 756 કેસ, બાળકોના હોસ્પિટલાઈઝેશનમાં વધારો












