રાહુલ ગાંધીનું અમેરિકાથી મોટું નિવેદન: ‘ભારત આર્થિક સંકટના આરે!’ બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે ભારતની આર્થિક સ્થિતિ, બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારત એક મોટી આર્થિક આપત્તિના આરે ઊભું છે અને દેશમાં યુવાનો સામે રોજગારીનો મોટો પ્રશ્ન છે.
‘ભારત આર્થિક આપત્તિની કગાર પર છે’
કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની આર્થિક સ્થિતિને અવગણવી યોગ્ય નથી. તેમના જણાવ્યા અનુસાર, દેશમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બની રહી છે અને શિક્ષણ વ્યવસ્થામાં પણ અનેક ખામીઓ છે.
તેમણે કહ્યું હતું કે, “સીધી વાત એ છે કે ભારત આર્થિક આપત્તિની કગાર પર છે, પછી ભલે તમે તેને નજરઅંદાજ કરો. દેશમાં બેરોજગારીની એક બહુ મોટી સમસ્યા છે અને અહીંની શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘણી મુશ્કેલીઓ રહેલી છે.”
‘ભારતના યુવાનોને નોકરી નથી મળી રહી’
રાહુલ ગાંધીએ પોતાના ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમનો ઉલ્લેખ કરીને યુવાનોમાં વધતી બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં તેમની સામે અંદાજે 50થી 70 હજાર વિદ્યાર્થીઓ હાજર હતા અને મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ ભવિષ્યને લઈને ચિંતા હતી.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમને વારંવાર પૂછતા હતા કે અભ્યાસ પૂરો થયા બાદ હવે શું કરવું અને આગળ ક્યાં જવું? યુવાનોની આવી ચિંતાઓ સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું હતું. રાહુલ ગાંધીના મતે, દેશમાં શિક્ષણ મેળવ્યા બાદ પણ યુવાનોને યોગ્ય રોજગારીની તક મળતી નથી.
ચૂંટણી પ્રચારના ખર્ચ અંગે પણ ઉઠાવ્યા સવાલ
વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચ અંગે પણ સવાલો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરખામણીએ ચૂંટણી પ્રચારમાં 20થી 50 ગણા વધુ નાણાં ખર્ચવામાં આવી રહ્યાં છે.
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણીમાં આટલી મોટી રકમ ક્યાંથી આવી રહી છે? આ ઉપરાંત, કેટલીક મોટી અને રસાકસીભરી બેઠકો પર અચાનક પાંચ લાખ મતોના તફાવતથી મળેલી જીત અંગે પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી.
ચૂંટણીનાં પરિણામો અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરી
રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાની શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી સમગ્ર વિપક્ષ આ પ્રકારની પરિસ્થિતિને જોઈને આશ્ચર્યમાં હતો. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણીનાં પરિણામો અને તેમાં જોવા મળેલા મતના તફાવતોને સમજવામાં વિપક્ષને સમય લાગ્યો હતો.
તેમના આ નિવેદનથી અમેરિકાની યુનિવર્સિટીમાં ભારતની ચૂંટણી પ્રક્રિયા અને રાજકીય સ્થિતિનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો.
શિકાગો યુનિવર્સિટીમાં વિદેશ નીતિ પર કરશે ચર્ચા
અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીનો આગામી કાર્યક્રમ શિકાગો યુનિવર્સિટી ખાતે યોજાવાનો છે. મળતી માહિતી મુજબ, બુધવારે તેઓ ત્યાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે ભૂ-રાજકીય સ્થિતિ અંગે સંવાદ કરશે.
આ કાર્યક્રમમાં ઈરાન સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં ભારતની વિદેશ નીતિ સામે ઊભા થઈ રહેલા પડકારો અંગે પણ તેઓ પોતાના વિચારો રજૂ કરશે. આ ઉપરાંત, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સભ્યો સાથે પણ તેમની બેઠક યોજાવાની છે.
રાહુલ ગાંધીના આ અમેરિકન પ્રવાસ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા, બેરોજગારી, શિક્ષણ અને ચૂંટણી પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર થયેલા નિવેદનોને કારણે રાજકીય ચર્ચા વધુ તેજ બની શકે છે.
આ પણ વાંચો: પોલંપોલ: ભરુચમાં 66 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ખાલી 100 દિવસમાં મોટી તિરાડો પડી











