ગુજરાત: રાજ્યમાં 39 બ્રિજ અત્યંત જોખમી, 97 પુલ પર વાહનવ્યવહાર બંધ કરાયો

- અત્યાર સુધીમાં 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે
- સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે
- ભારે માલવાહક વાહનોને ડાયવર્ટ કરાતાં વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના બધાય પુલોની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે. આ ઉપરાંત 39 પુલ તો ગમે તે ઘડીએ ધરાશાયી થાય તેવી અવસ્થામાં છે.
સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે
આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાં પછી તંત્રને રાજ્યમાં બ્રિજોની સલામતીને લઇને જ્ઞાન લાદ્યુ હતું. અત્યાર સુધી રાજ્ય માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ હતું. 20 મહામૂલી જિંદગી હોમાઇ ગઇ છે ત્યાર પછી તંત્રને જર્જરિત પુલોના સમારકામનું સુઝ્યું છે. અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીન 364 બ્રિજો પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં ત્રણ બ્રિજ એવા છે તે પડું પડું છે. સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2, નવસારીમાં 2 બ્રિજ જર્જરિત હોવાનું સરકારે કબૂલ્યું છે.
ભારે માલવાહક વાહનોને ડાયવર્ટ કરાતાં વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે
ગુજરાતમાં ઘણાં એવા જોખમી બ્રિજ છે જે જાણે દુર્ઘટનાની રાહમાં છે. અત્યાર સુધીમાં આ જોખમી પુલો પર વાહન વ્યવહાર યથાવત રહ્યો હતો. પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને લોકોની સલામતી વિશે સુઝ્યુ છે જેથી તાકીદે 97 જોખમી પુલો પર વાહનોની અવરજવર સ્થગિત કરાઇ છે. જોકે, ડાયવર્ઝનને પગલે સ્થાનિકોની રોજી રોજગાર પર અસર થઇ છે. વિદ્યાર્થીઓને શાળામાં જવા આવવા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે માલવાહક વાહનોને ડાયવર્ટ કરાતાં વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી












