ઈડરની શાળામાં મધ્યાહન ભોજન બાદ 45થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
Idar News : સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલી હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની અસરો વર્તાતાં બાળકોની તબિયત બિચકવાનો બનાવ સામે આવ્યો છે. શાળામાં અડદની દાળનું ભોજન લીધા પછી એક પછી એક વિદ્યાર્થીઓને અસ્વસ્થતા અનુભવાવા લાગી હતી, જેથી ત્વરિત પગલાં ભરીને તમામને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, 45થી પણ વધુ બાળકોને ઈડરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વાલીઓમાં ચિંતા
આ બનાવને પગલે વાલીઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે, તો બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. બનાવની જાણ થતાં જ શિક્ષણ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી તપાસ હાથ ધરી હતી. બાળકો પીરસાયેલા ભોજનથી જ બીમાર પડ્યા છે કે કેમ અને ખોરાકની ગુણવત્તા કેવી હતી તે અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઈડર સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય ચૌહાણે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “અંદાજે 37 જેટલા બાળકોને ભોજનમાં ઝેરી અસર કે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા સામે આવી હતી. અમારી તબીબી ટીમે ત્વરિત કામગીરી કરીને તમામ બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડીને સારવાર શરૂ કરી દીધી હતી.”
બાળકોની સ્થિતિ સ્થિર
તબીબી તપાસમાં બાળકોમાં ઉબકા, હળવી ઊલટીઓ અને પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાયા હતા. તબીબોની ટીમ દ્વારા તેમને તાત્કાલિક ઓઆરએસ (ORS) સોલ્યુશન, એન્ટાસિડ જેવી જરૂરી દવાઓ અને રાહત માટે આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. સારવાર શરૂ થયાના બે કલાકની અંદર તમામ બાળકોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. હાલ તમામ વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોઈની પણ સ્થિતિ ગંભીર નથી.
બેદરકારી અંગે વાલીઓના ગંભીર આક્ષેપો
બીજી તરફ, આ બનાવ બાદ શાળાના મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને વાલીઓ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક સ્થાનિક વાલીના જણાવ્યા મુજબ, અગાઉ પણ નાસ્તામાં પીરસાયેલા મગમાંથી મરેલી ગરોળી મળી આવવાની ગંભીર ઘટના બની ચૂકી છે. આ બાબતે જ્યારે શાળા સંચાલકો કે જવાબદારોનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબદારી સ્વીકારવાને બદલે ‘જે થાય તે કરી લો’ અને ‘આવું તો ચાલ્યા કરે’ જેવા ગેરજવાબદાર જવાબો આપ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જો આ વાલીઓના આક્ષેપો સાચા પુરવાર થાય, તો શાળાની ભોજન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થાય છે.
ભોજનની ગુણવત્તા તપાસવા પર સૌની નજર
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે હોસ્પિટલમાં લાવવામાં આવતાં આરોગ્ય વિભાગ પણ ત્વરિત હરકતમાં આવી ગયું છે. ઈડર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તમામ બાળકોના સ્વાસ્થ્ય અને સારવાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. અડદની દાળનું ભોજન લીધા બાદ જ બાળકોની સ્થિતિ કેમ બિચકી? શું ખોરાકમાં કોઈ ખામી હતી કે પછી અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું? આ તમામ સવાલોના સત્ય જવાબો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા સંબંધિત ઊભા થયેલા આ ગંભીર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ભોજનના સેમ્પલની સઘન અને ઝીણવટભરી તપાસ અત્યંત જરૂરી બની ગઈ છે. હવે આ મામલે આગળની તપાસમાં શું વિગતો બહાર આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો:અસલાલી પોલીસે બ્રેઝામાંથી 2,976 દારૂની બોટલો ઝડપી, ₹11.35 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
આ પણ વાંચો:સરકાર-મેટા વચ્ચે વાતચીત ક્યાં પહોંચી? દાવ પર છે આ મુદ્દાઓ












