GST કાઉન્સિલની બેઠકમાં 10 મોટા નિર્ણયો: રજિસ્ટ્રેશનથી ITC અને રિફંડ સુધી શું બદલાયું?
57th GST Council meeting : GST કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓ અને કરદાતાઓ માટે 10 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન, રિટર્ન, રિફંડ, ITCથી લઈને ટેક્સ અધિકારીઓની સત્તા સુધી અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.
વસ્તુ અને સેવા કર (GST) કાઉન્સિલની 57મી બેઠકમાં દેશના વેપારીઓ અને કરદાતાઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં 10 મોટા સુધારા કરવામાં આવ્યા. આ બેઠકમાં મુખ્ય ફોકસ ટેક્સના દરોમાં ફેરફાર કરતાં ‘Ease of Doing Business’ અને GSTની પ્રક્રિયાઓને સરળ બનાવવા પર રહ્યો. સૌથી મોટા સુધારા હેઠળ હવે GST અધિકારીઓની મનમાની ધરપકડ કરવાની સત્તા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. ‘GST 2.0’ તરફ આગળ વધતાં કાગળની કાર્યવાહી અને ઇન્સ્પેક્ટર રાજને ઘટાડીને સમગ્ર સિસ્ટમને ડેટા અને ઓટોમેશન આધારિત બનાવવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુધારાની જરૂર કેમ પડી?
GSTના ટેક્સ રેટ નક્કી થઈ ગયા હોવાથી હવે કાઉન્સિલનું સમગ્ર ધ્યાન રોજિંદી પ્રક્રિયાઓને સરળ બનાવવા પર છે. વેપારીઓનો સીધો સંબંધ ટેક્સ રેટ કરતાં રજિસ્ટ્રેશન, રિટર્ન અને રિફંડ જેવી પ્રક્રિયાઓ સાથે વધુ રહે છે. હવે સિસ્ટમ વેચનાર અને ખરીદનારના બિલનું વધુ સારી રીતે મેચિંગ કરે છે, જેના કારણે ખોટી માહિતી અને ગેરરીતિ ઝડપથી પકડી શકાય છે.
GST કાઉન્સિલે કર્યા આ 10 મોટા ફેરફાર
1. GST રજિસ્ટ્રેશન: પ્રક્રિયા બનશે સરળ
હવે ‘લો-રિસ્ક’ એટલે કે ઓછા જોખમવાળા વેપારીઓને સિસ્ટમ પોતે જ 3 દિવસની અંદર GST રજિસ્ટ્રેશન આપી રહી છે. તેમાં અધિકારીની દખલગીરી રહેશે નહીં. હાલમાં 61 ટકા રજિસ્ટ્રેશન આ જ રીતે થઈ રહ્યા છે. રજિસ્ટ્રેશન ફોર્મને પણ વધુ સરળ બનાવવામાં આવશે. નામ, સરનામું અથવા ડિરેક્ટરમાં ફેરફાર જેવા અરજીઓ હવે સિસ્ટમ દ્વારા આપમેળે મંજૂર કરવામાં આવશે.
2. રિટર્ન: જૂની ભૂલો સુધારવાની તક
હાલમાં રિટર્નમાં તફાવત જોવા મળે ત્યારે વર્ષ દરમિયાન આશરે 95,000 નોટિસ આપમેળે જનરેટ થાય છે. જોકે, તેમાંથી માત્ર 0.08 ટકા કેસમાં જ વસૂલાત થઈ રહી છે. મોટાભાગની ભૂલો માત્ર ડેટા એન્ટ્રી સાથે જોડાયેલી હોય છે. હવે જો કોઈ વેચનાર પોતાના બિલમાં ભૂલ કરે છે, તો તે સીધી પોતાની સેલ્સ સ્ટેટમેન્ટમાં સુધારો કરી શકશે અને તેનો લાભ ખરીદદારને આપમેળે મળશે. જૂની ભૂલો તેમજ ખોટા ભરાયેલા રજિસ્ટ્રેશન નંબરને સુધારવાની પણ છૂટ મળશે.
3. રિફંડ: સિસ્ટમ 3 દિવસમાં કરશે રિફંડ
રિફંડ ક્લેમ સ્વીકારવાનો સમય 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. હવે 90 ટકા કેસમાં અધિકારીને બદલે સિસ્ટમ પોતે જ 3 દિવસમાં રિફંડ મંજૂર કરશે. ‘કેશ લેજર’માં રહેલા વધારાના નાણાં પણ સંપૂર્ણ ઓટોમેટિક પ્રક્રિયા દ્વારા ખાતામાં પરત કરવામાં આવશે.
4. કાનૂની વિવાદ અને નોટિસ
₹10,000થી ઓછાની રકમના કેસમાં કોઈ નોટિસ મોકલવામાં નહીં આવે. નોટિસ મોકલવા, સુનાવણી કરવા અને આદેશ આપવા માટે એક નિર્ધારિત સ્ટાન્ડર્ડ પ્રક્રિયા રહેશે.
5. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)માં મોટા ફાયદા
ઈમાનદાર ખરીદદારોને સુરક્ષા
જો કોઈ ખરીદદાર પાસે યોગ્ય બિલ છે, તેને માલ મળી ગયો છે અને તેણે સંપૂર્ણ ચુકવણી કરી છે, તો તેને સુરક્ષા આપવા માટે અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.
સામાન્ય ખર્ચ પર પણ ITC
હવે કર્મચારીઓના હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ, ટેલિકોમ ટાવર, ફેક્ટરીની બહારની પાઇપલાઇન અને એક્સપાયર થઈ ગયેલા ફ્રી સેમ્પલ, જેને નષ્ટ કરવું જરૂરી હોય, તેના પર પણ ITCનો લાભ મળશે.
ડબલ ટેક્સ નહીં
એક જ સપ્લાય ચેઇનમાં વારંવાર ખરીદી-વેચાણ થતી કેટલીક સેવાઓ, જેમ કે એજન્ટ મારફતે ₹7,500 સુધીની હોટેલ બુકિંગ, રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પર હવે ડબલ ટેક્સ નહીં લાગે.
સર્વિસ અને મશીનરી પર રિફંડ
હવે ઇનપુટ સર્વિસ અને પ્લાન્ટ/મશીનરી પર ચૂકવવામાં આવેલા ટેક્સનું પણ રિફંડ મળશે. આનાથી ફાર્મા અને FMCG જેવા ક્ષેત્રોના વેપારીઓની અટવાયેલી વર્કિંગ કેપિટલ મુક્ત થશે.
6. વેપાર કરવો અને જીવન સરળ બનશે
બિઝનેસ બંધ કરવાની પ્રક્રિયા
નાના કરદાતાઓ માટે બિઝનેસ બંધ કરવાની એટલે કે GST કેન્સલેશનની પ્રક્રિયા ઓટોમેટિક કરવામાં આવશે. હવે છેલ્લું રિટર્ન ભરવાની પ્રક્રિયા પણ આ જ સિસ્ટમનો ભાગ રહેશે.
નાના વેપારીઓને રાહત
₹5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એવા વેપારીઓ, જેઓ સીધા ગ્રાહકોને માલ વેચે છે, તેઓ હવે વર્ષમાં માત્ર એક વખત રિટર્ન ફાઇલ કરશે અને ત્રિમાસિક ધોરણે ટેક્સ ચૂકવશે.
આ પણ વાંચો:કેનાડાની 76 વર્ષીય સાહિત્યકાર ઍની કાર્સનને મળ્યો નોબેલ પુરસ્કાર
રસ્તા પર માલની ચકાસણી
હવે રસ્તા પર કોઈપણ અધિકારી મનમાની રીતે વાહન રોકી શકશે નહીં. વાહન રોકવા માટે જોઈન્ટ કમિશનર રેન્કના અધિકારીની મંજૂરી અને ચોક્કસ ગુપ્ત માહિતી હોવી જરૂરી રહેશે. માલની ચકાસણી માત્ર તે રાજ્યમાં જ કરવામાં આવશે જ્યાંથી માલ રવાના થયો હોય અથવા જ્યાં માલ પહોંચવાનો હોય. વચ્ચેનું ટ્રાન્ઝિટ રાજ્ય રસ્તામાં વાહન રોકી શકશે નહીં.
7. ધરપકડ, કેસ અને દંડ અંગે મોટો ફેરફાર
GST હેઠળ ધરપકડ કરવાની સત્તા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. પ્રોસિક્યુશન એટલે કે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની મર્યાદા ₹1 કરોડથી વધારીને ₹5 કરોડ કરવામાં આવી છે. સામાન્ય દંડ પણ ₹25,000થી ઘટાડીને ₹10,000 કરવામાં આવ્યો છે. હવે GST સિસ્ટમમાં ડેટા અને ટેક્નોલોજી પર વધુ ભાર રહેશે અને બિનજરૂરી દબાણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
8. એક્સપોર્ટ: વિદેશી ક્લાયન્ટ ધરાવતી કંપનીઓને ફાયદો
જો કોઈ ભારતીય કંપની વિદેશમાં પોતાની જ બ્રાન્ચ મારફતે વિદેશી ગ્રાહકને સેવા આપે છે, તો તેને એક્સપોર્ટનો લાભ મળશે. જો કોઈ વિદેશી ગ્રાહક પોતાનો માલ ભારત મોકલીને તેના પર ટેસ્ટિંગ, રિપેરિંગ અથવા રિસર્ચ જેવી કામગીરી કરાવે છે, તો તેને પણ સર્વિસ એક્સપોર્ટ તરીકે ગણવામાં આવશે.
9. ઈ-કોમર્સ: નાના સેલર્સને મોટો ફાયદો
અગાઉ દરેક રાજ્યમાં માલ વેચવા માટે ત્યાં ઓફિસનું સરનામું દર્શાવવું પડતું હતું. હવે નાના સેલર્સ કોઈ ઈ-કોમર્સ કંપની, જેમ કે Amazon અથવા Flipkartના બીજા રાજ્યમાં આવેલા વેરહાઉસને પોતાના ‘Principal Place of Business’ તરીકે દર્શાવી શકશે. આનો અર્થ એ થયો કે નાના વેપારીઓ પોતાના રાજ્યમાં બેઠા રહીને સમગ્ર દેશમાં માલ વેચી શકશે. તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે ટેક્સના નિયમો પણ એકસમાન રહેશે, પછી તેમનું બિઝનેસ મોડલ કોઈપણ પ્રકારનું હોય.
10. ટેક્સ રેટમાં શું બદલાયું?
આ બેઠકમાં કોઈપણ વસ્તુ અથવા સેવાના ટેક્સ રેટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે ટેક્સ રેટમાં ફેરફાર અંગે વર્ષમાં માત્ર એક વખત અલગ બેઠકમાં વિચાર કરવામાં આવશે. હાલમાં કાઉન્સિલનું સંપૂર્ણ ધ્યાન GSTના નિયમોમાં રહેલી ખામીઓને દૂર કરીને પ્રક્રિયાને વધુ સરળ બનાવવા પર છે.
GST સુધારા અંગે CMAIએ શું કહ્યું?
Clothing Manufacturers Association of India (CMAI)ના અધ્યક્ષ સંતોષ કટારિયાએ GST કાઉન્સિલના નવા નિર્ણયોને આવકાર્યા છે. તેમણે કહ્યું કે ટેક્સ અધિકારીઓ પાસેથી ધરપકડ કરવાની સત્તા દૂર કરવી અને પ્રોસિક્યુશનના કેસો પર નિયંત્રણ લાવવું એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે, ₹2,500થી મોંઘા કપડાં પર 18 ટકા GST ચાલુ રાખવામાં આવતા તેમણે નિરાશા વ્યક્ત કરી હતી.
કટારિયાએ કહ્યું કે કપડાં એવા ગણતરીના ઉત્પાદનોમાં સામેલ છે જેના પર અગાઉના સુધારા બાદ વાસ્તવમાં ટેક્સ વધ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ ટેક્સ સ્લેબની મર્યાદા વધારીને ઓછામાં ઓછી ₹10,000 કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, જો આવું કરવામાં આવ્યું હોત તો તહેવારો દરમિયાન કપડાંની ખરીદી અને વેચાણમાં મોટો ઉછાળો આવી શક્યો હોત, જેનાથી સમગ્ર બજારને ફાયદો થાત.
આ પણ વાંચો:બેટ્સમેન યશસ્વી હવે બનશે વિકેટકીપર? મુંબઈ કેપ્ટને આપી મોટી માહિતી












