ગુજરાતટ્રેન્ડિંગ

સરકારી નોકરી માટે થઈ જાવ તૈયાર! GSSSB દ્વારા 700થી વધુ જગ્યા પર ભરતી જાહેર

GSSSB Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા પેટા હિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર વર્ગ-3 ની ભરતી પ્રક્રિયાને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ સુધારો જાહેર કરવામાં આવ્યો છે. સરકારી નોકરીની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે આ એક ઉત્સાહવર્ધક સમાચાર છે. અગાઉ આ ભરતી માટે કુલ 426 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ મંડળ દ્વારા તેમાં મોટો વધારો કરીને હવે કુલ 776 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

કઈ જગ્યાઓમાં કેટલો વધારો થયો?

મંડળ દ્વારા જારી કરાયેલી સત્તાવાર સુધારા જાહેરાત અનુસાર, નાણાં વિભાગ હેઠળની હિસાબ અને તિજોરી નિયામક કચેરીની આ ભરતીમાં જગ્યાઓનું નવું માળખું નીચે મુજબ છે:

  • પેટા હિસાબનીશ / સબ ઓડિટર: અગાઉની 321 જગ્યાઓથી વધારીને હવે 671 કરવામાં આવી છે.
  • હિસાબનીશ, ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક: આ સંવર્ગની 105 જગ્યાઓ યથાવત રાખવામાં આવી છે.

ઓનલાઇન અરજીની નવી તારીખો જાહેર

જગ્યાઓમાં વધારો થવાની સાથે જ મંડળ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વિન્ડો ફરીથી ઓપન કરવામાં આવી છે. નવી જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની સમયરેખા નીચે મુજબ નક્કી કરાઈ છે:

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 02 જૂન 2026 (બપોરે 2:00 વાગ્યાથી)
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જૂન 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
  • ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: 02 જુલાઈ 2026
  • અગાઉ અરજી કરનારાઓ માટે નિયમો અને લાયકાતની કટઓફ ડેટ

મંડળ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઉમેદવારોએ આ ભરતી માટે અગાઉ સફળતાપૂર્વક અરજી કરી દીધી છે, તેમણે ફરીથી નવું ફોર્મ ભરવાની કોઈ જરૂર રહેશે નહીં. જોકે, જે ઉમેદવારોની અરજી અગાઉ ફી ન ભરાવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ કારણોસર રદ થઈ ગઈ હતી, તેઓ આ નવી સમયમર્યાદામાં ફરીથી નવી અરજી સબમિટ કરી શકશે.

શૈક્ષણિક લાયકાતની ગણતરી માટે પણ મોટો ફેરફાર કરાયો છે. મંડળના જણાવ્યા મુજબ, શૈક્ષણિક લાયકાત માટેની કટઓફ તારીખ હવે 30 નવેમ્બર 2025 ના બદલે 30 જૂન 2026 ગણવામાં આવશે, જેથી વધુ યુવાનોને આ ભરતીનો લાભ મળી શકે. જોકે, વયમર્યાદા (ઉંમર) ની ગણતરી માટે અગાઉ નક્કી કરાયેલી તારીખ જ યથાવત રાખવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને અપીલ કરી છે કે ઓનલાઇન ફોર્મ સબમિટ કરતાં પહેલાં મુખ્ય જાહેરાત અને સુધારા જાહેરાતની તમામ માર્ગદર્શિકા તથા સૂચનાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લેવી. આ ભરતી અંગેની તમામ સત્તાવાર વિગતો અને આગામી અપડેટ્સ GSSSB ની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર પોલીસ બેડામાં મોટો ભડાકો: SP પ્રેમસુખ ડેલુએ એકસાથે 443 પોલીસ કર્મચારીઓની કરી આંતરિક બદલી

આ પણ વાંચોઃ ખેડા જિલ્લાનું ‘ગળતેશ્વર વન’ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર: પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button