ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સમુદ્રમાં માણસોએ બનાવી દીધો કચરાનો ટાપુ! ફ્રાન્સથી 3 ગણો મોટો વિસ્તાર, 700થી વધુ પ્રજાતિઓ પર ખતરો

World News: પ્રશાંત મહાસાગરના મધ્યમાં માનવ બેદરકારીનું એક ભયાનક પરિણામ જોવા મળી રહ્યું છે. હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સમુદ્રની સપાટી પર પ્લાસ્ટિક અને અન્ય કચરાનો એવો વિશાળ વિસ્તાર બની ગયો છે કે તેને હવે Great Pacific Garbage Patch તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર લગભગ 16 લાખ ચોરસ કિલોમીટર જેટલો ફેલાયેલો હોવાનું વૈજ્ઞાનિક અભ્યાસોમાં સામે આવ્યું છે. અંદાજ મુજબ આ કચરાનો વિસ્તાર ફ્રાન્સના કુલ ક્ષેત્રફળથી લગભગ ત્રણ ગણો મોટો છે. જોકે તેને કોઈ ઘન જમીન કે સાચો ટાપુ માનવો યોગ્ય નથી. વાસ્તવમાં આ એક વિશાળ સમુદ્રી વિસ્તાર છે, જ્યાં પ્લાસ્ટિકના જાળ, દોરડા, કન્ટેનર, બોટલ, માછીમારીના સાધનો અને મોટા પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિક સમુદ્રી પ્રવાહો સાથે એકત્ર થયા છે.

કેવી રીતે બન્યો આ પ્લાસ્ટિક ટાપુ?

પ્રશાંત મહાસાગરમાં આવેલું North Pacific Subtropical Gyre નામનું વિશાળ સમુદ્રી પ્રવાહચક્ર આ કચરાને એક વિસ્તારમાં ભેગું કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. સમુદ્રી પ્રવાહો અને પવનને કારણે વિવિધ દેશોના દરિયા કિનારા, જહાજો અને માછીમારીની પ્રવૃત્તિઓમાંથી સમુદ્રમાં પહોંચેલો પ્લાસ્ટિક ધીમે-ધીમે આ વિસ્તારમાં ભેગો થાય છે. એકવાર કચરો અહીં પહોંચે પછી તે લાંબા સમય સુધી સમુદ્રી પ્રવાહ સાથે આ વિસ્તારમાં જ ફરતો રહે છે. અભ્યાસોમાં કેટલીક વસ્તુઓ પર જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને તાઇવાન જેવા દેશોના ઓળખચિહ્ન પણ જોવા મળ્યા હોવાનું જણાવાયું છે.

1.8 ટ્રિલિયન પ્લાસ્ટિકના ટુકડાનો અંદાજ

અભ્યાસ મુજબ આ વિસ્તારમાં અંદાજે 1.8 ટ્રિલિયન પ્લાસ્ટિકના ટુકડા હોઈ શકે છે, જેનું કુલ વજન આશરે 79 હજાર ટન હોવાનું અનુમાન છે. આ કચરામાં માછીમારીના જાળ અને અન્ય સાધનોનો હિસ્સો પણ ખૂબ મોટો છે. કુલ કચરાના વજનમાં અંદાજે 46 ટકા ભાગ જૂના અથવા ત્યજી દેવાયેલી માછીમારીની જાળની હોવાનું સામે આવ્યું છે. અન્ય સંશોધનોમાં પાંચ સેન્ટિમીટરથી મોટા પ્લાસ્ટિકના ટુકડાઓમાં માછીમારીના ગુમ થયેલા અથવા ત્યજી દેવાયેલા સાધનોનો હિસ્સો પણ ઘણો મોટો હોવાનું નોંધાયું છે.

માઇક્રોપ્લાસ્ટિક સૌથી મોટી ચિંતા

આ વિસ્તારમાં જોવા મળતા પ્લાસ્ટિકના ટુકડાઓમાં સંખ્યાની દૃષ્ટિએ માઇક્રોપ્લાસ્ટિકનો હિસ્સો સૌથી વધુ છે. અંદાજ મુજબ કુલ પ્લાસ્ટિકના ટુકડાઓમાં લગભગ 94 ટકા ટુકડા માઇક્રોપ્લાસ્ટિક છે. આ નાના પ્લાસ્ટિક કણો સમુદ્રી જીવ સરળતાથી ખાઈ લે છે, જેના કારણે તે ખોરાકની સાંકળમાં પ્રવેશી શકે છે. માઇક્રોપ્લાસ્ટિકનો પ્રભાવ માત્ર માછલીઓ સુધી સીમિત રહેતો નથી. તે પક્ષીઓ, કાચબા અને અન્ય સમુદ્રી જીવ સુધી પહોંચીને આખી ઇકોસિસ્ટમને અસર કરી શકે છે.

700થી વધુ પ્રજાતિઓ પર ખતરો

સમુદ્રમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણથી 700થી વધુ સમુદ્રી પ્રજાતિઓ પ્રભાવિત થવાનો ખતરો દર્શાવવામાં આવ્યો છે. કાચબા, માછલીઓ, દરિયાઈ પક્ષીઓ અને અન્ય જીવો ઘણી વખત પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ લે છે. પ્લાસ્ટિક શરીરમાં પહોંચવાથી પાચનતંત્રને નુકસાન અને મૃત્યુ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી મોટી સમસ્યા સમુદ્રમાં છોડી દેવાયેલા માછીમારીના જાળ છે. આવા જાળ વર્ષો સુધી પાણીમાં તરતા રહે છે અને માછલી, કાચબા, પક્ષીઓ તથા દરિયાઈ સ્તનધારી પ્રાણીઓને ફસાવી શકે છે. આ ઘટનાને ઘણીવાર Ghost Fishing તરીકે ઓળખવામાં આવે છે.

સમુદ્રમાંથી કચરો કાઢવાથી સમસ્યા ઉકેલાશે?

છેલ્લાં ઘણા દાયકાઓથી આ વિસ્તારમાં પ્લાસ્ટિકની માત્રા સતત વધી રહી છે. વિશાળ ફ્લોટિંગ બેરિયર સહિત વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમુદ્રમાંથી કચરો બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર 2024ના અંત સુધી કેટલાક સફાઈ અભિયાનો દ્વારા આશરે 504 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે માત્ર સમુદ્રમાં પહેલેથી રહેલા પ્લાસ્ટિકને બહાર કાઢવાથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. નદીઓ, દરિયા કિનારા, શહેરો અને માછીમારીના જહાજોમાંથી સમુદ્રમાં નવું પ્લાસ્ટિક પહોંચતું અટકાવવું પણ એટલું જ જરૂરી છે. એટલે કે જૂનો કચરો સાફ કરવાની સાથે નવા પ્લાસ્ટિક પ્રદૂષણના સ્ત્રોતોને રોકવામાં આવશે ત્યારે જ આ સમસ્યાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાશે.

આ પણ વાંચોઃ સ્પાઈસજેટને મોટી રાહત : એરલાઇન નવેસરથી ઉડાન ભરવાની કરી રહી છે તૈયારી
Back to top button