સરકારનો હાઇબ્રિડ રેલ-રોડ મોડલ, હવે 19 શહેરોમાં ₹35 કિલો મળશે ડુંગળી
Onion : સરકારે ડુંગળીના બફર સ્ટોકના વેચાણનો વ્યાપ વધારીને 19 શહેરો સુધી વિસ્તારી દીધો છે. આ માટે રેલવે અને સડક પરિવહન, બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવે રેક મારફતે ડુંગળીના સપ્લાય માટે ‘કાંદા એક્સપ્રેસ’ ચલાવવામાં આવી રહી છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવાનો અને સીઝન દરમિયાન ભાવમાં થતા વધારાને નિયંત્રિત કરવાનો છે. પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (PSF) હેઠળ જાળવવામાં આવેલી ડુંગળીનું વેચાણ 24 ઓગસ્ટ 2026 થી શરૂ કરવામાં આવ્યું હતું. તેનું વેચાણ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે NAFED અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NCCF મારફતે કરવામાં આવી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કાંદા એક્સપ્રેસ દ્વારા મોકલવામાં આવ્યા ડુંગળીના બે રેક
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં નાસિકથી કાંદા એક્સપ્રેસના બે રેક મોકલી દેવામાં આવ્યા છે.
પ્રથમ રેકમાં 450 મેટ્રિક ટન ડુંગળી મોકલવામાં આવી હતી. આ રેક 27 ઓગસ્ટની મોડી રાત્રે દિલ્હી પહોંચ્યો હતો. તેમાંથી 140 મેટ્રિક ટન ડુંગળી વારાણસી, લખનૌ, ચંદીગઢ અને અમૃતસર મોકલવામાં આવી હતી, જ્યારે બાકીનો જથ્થો દિલ્હી-NCR ના અલગ-અલગ વિસ્તારોમાં વહેંચવામાં આવ્યો હતો.
બીજા રેકમાં 840 મેટ્રિક ટન ડુંગળી મોકલવામાં આવી હતી. આ રેક 31 ઓગસ્ટે ચેન્નઈ પહોંચ્યો હતો. તમિલનાડુ સરકાર આ ડુંગળીને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) મારફતે લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ દરેક રેશનકાર્ડ પર 1 કિલો ડુંગળી આપવાનો પ્રસ્તાવ છે.
આ પણ વાંચો: ગિલ-ઐયરને BCCI સામે આપવો પડશે જવાબ? મુંબઈમાં યોજાશે મહત્વની બેઠક
રેલવે ઉપરાંત આશરે 1,000 મેટ્રિક ટન ડુંગળી સડક માર્ગે પણ વધુ વપરાશ ધરાવતા મોટા શહેરોમાં મોકલવામાં આવી રહી છે. તેનો જથ્થો બજારની સ્થિતિ અને ડુંગળીના ભાવોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે રેલવે અને સડક પરિવહનના આ સંયુક્ત (મિક્સ્ડ) મોડલથી એવા વિસ્તારોમાં ઝડપથી ડુંગળી પહોંચાડી શકાશે, જ્યાં ભાવો પર મોસમી દબાણ વધી રહ્યું છે.
19 શહેરોમાં ₹35 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ડુંગળી
સરકારે ડુંગળીના બફર સ્ટોકનું છૂટક વેચાણ હવે 19 શહેરો સુધી વધારી દીધું છે. દેશભરમાં 30 થી વધુ ટ્રકોને આ કામગીરીમાં જોડવામાં આવી છે. આ શહેરોમાં દિલ્હી, જયપુર, જમ્મુ, દહેરાદૂન, શિમલા, અમૃતસર, ચંડીગઢ, કોલકાતા, ગુવાહાટી, લખનૌ, વારાણસી, પટના, બિહારના ભોજપુર અને બિહાર શરીફ, ભુવનેશ્વર, ચેન્નઈ, મદુરાઈ, ત્રિશૂર અને કોચીનો સમાવેશ થાય છે.
આ તમામ શહેરોમાં ડુંગળી ₹35 પ્રતિ કિલોના દરે વેચવામાં આવી રહી છે. NCCF, NAFED અને કેન્દ્રીય ભંડારના રિટેલ આઉટલેટ્સ ઉપરાંત મોબાઈલ વાન મારફતે પણ લોકો સુધી ડુંગળી પહોંચાડવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં અંદાજે 669 મેટ્રિક ટન ડુંગળીનું વેચાણ થઈ ચૂક્યું છે. તેમાંથી 223 મેટ્રિક ટન ડુંગળી e-NAM પોર્ટલ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે જથ્થાબંધ બજારમાં પ્રવર્તમાન માર્કેટ ભાવે વેચવામાં આવી હતી, જ્યારે 446 મેટ્રિક ટન ડુંગળી રિટેલ ચેનલો દ્વારા સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી છે.
સરકારના જણાવ્યા મુજબ, બફર સ્ટોકમાંથી સપ્લાય વધવાથી બજારમાં ડુંગળીની ઉપલબ્ધતામાં સુધારો થયો છે. વારાણસી, અમૃતસર, દિલ્હી અને તેની આસપાસના બજારોમાં ભાવો પર પણ તેની હકારાત્મક અસર જોવા મળી છે.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે છૂટક વેચાણ શરૂ થયાના બીજા જ દિવસથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં પુરવઠો વધુ વધવાથી ભાવો સ્થિર રાખવામાં મોટી મદદ મળશે તેવી અપેક્ષા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સરકારે આશરે 3,400 ખેડૂતોને સીધા ₹210 કરોડની ચૂકવણી કરી છે. આ ચુકવણી સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થા (DBT) મારફતે કરવામાં આવી છે.
આ પણ વાંચો: દિશા પટાનીએ શેર કરી આવારાપન 2’ની અનસીન તસવીરો, લખી ઈમોશનલ પોસ્ટ












