ટ્રેન્ડિંગનેશનલ

પ્રેમીને મળવા 15 વર્ષની દીકરીએ માતા-પિતાને જમવામાં આપી ઊંઘની ગોળીઓ, રૂવાડાં ઊભા કરી દેતી ઘટના

ઉત્તર પ્રદેશ: 11 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ પોતાના પ્રેમીને મળવા માટે પોતાના જ માતા-પિતા અને દાદીને જમવામાં ઊંઘની ગોળીઓ આપી બેભાન કરી દીધા હતા. પોલીસે આ મામલે આરોપી યુવક વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

માતા-પિતાએ ઊંઘવાનો ઢોંગ કરી દીકરીને રંગેહાથ પકડી

ઘટનાની વિગત મુજબ, યુવતીનો પિતા મુંબઈમાં પેઇન્ટરનું કામ કરે છે અને એક મહિના પહેલા જ ઘરે આવ્યો હતો. તેને શંકા ગઈ કે જમ્યા પછી તેને, તેની પત્ની અને માતાને અસાધારણ ઊંઘ આવે છે. શંકા જતાં 3 જાન્યુઆરીના રોજ માતા-પિતાએ જમવાનું છુપાવી દીધું અને ઊંઘવાનો ઢોંગ કર્યો. રાત્રે 11:30 વાગ્યે દીકરી ચૂપચાપ પાડોશમાં રહેતા 22 વર્ષના યુવકના ઘરે પહોંચી, જ્યાં માતા-પિતાએ બંનેને વાંધાજનક હાલતમાં રંગેહાથ પકડી પાડ્યા હતા.

પ્રેમીએ કર્યું હતું બ્રેઈનવોશ

પૂછપરછ દરમિયાન સગીરાએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા એક વર્ષથી પાડોશમાં રહેતા યુવકના સંપર્કમાં હતી. યુવકે જ તેને ઊંઘની ગોળીઓ આપી હતી અને જમવામાં ભેળવવાની સલાહ આપી હતી જેથી તેઓ રાત્રે મળી શકે. પિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેની દીકરીનું બ્રેઈનવોશ કર્યું હતું.

પંચાયત ભરાઈ છતાં આરોપી ન સુધર્યો

આ ઘટના બાદ 4 જાન્યુઆરીએ ગામમાં પંચાયત મળી હતી, જેમાં યુવકે માફી માંગી હતી. જોકે, ત્યારબાદ પણ તેની હરકતો ચાલુ રહી હતી. જ્યારે પરિવાર ફરિયાદ કરવા તેના ઘરે ગયો, ત્યારે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરાર થઈ ગયો હતો.

પોલીસની કાર્યવાહી

ગુલરિહા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય પ્રતાપ સિંહે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ છેડતી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી અને POCSO એક્ટની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આરોપીએ સગીરાને મોબાઈલ ફોન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. હાલ પોલીસ આરોપીને પકડવા માટે ઠેર-ઠેર દરોડા પાડી રહી છે.

 

Back to top button