સોનું-ચાંદી ફરી ચમક્યા, સોનું ₹881 અને ચાંદી ₹2,675ના ઉછાળા સાથે તેજીમાં

Gold and silver Price : સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. મંગળવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિંમતી ધાતુઓ મજબૂત વધારા સાથે ખુલ્યા હતા. કાચા તેલના ભાવમાં નરમાઈ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કૂટનીતિક પ્રયાસોની આશાએ રોકાણકારો ફરીથી સોના અને ચાંદી તરફ વળ્યા છે.
સવારે લગભગ 9:15 વાગ્યે MCX પર સોનાનો ભાવ 0.63 ટકા એટલે કે ₹881 વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,42,279 પર પહોંચ્યો હતો. બીજી તરફ ચાંદીનો ભાવ 1.11 ટકા એટલે કે ₹2,675 વધીને પ્રતિ કિલોગ્રામ ₹2,20,825 પર કારોબાર કરી રહ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓલ ટાઇમ હાઇથી હજુ પણ ઘણો ઘટાડો
MCXના આંકડા મુજબ, 29 જાન્યુઆરીએ સોનાએ ₹1,93,096 પ્રતિ 10 ગ્રામનો સર્વોચ્ચ સ્તર નોંધાવ્યો હતો. હાલના ભાવ તેના ઓલ ટાઇમ હાઇ કરતાં લગભગ ₹50,817 ઓછા છે.
ચાંદીની વાત કરીએ તો MCX પર તેનો સર્વોચ્ચ ભાવ ₹4,20,048 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. હાલ ચાંદી આ સ્તર કરતાં લગભગ ₹1,99,223 સસ્તી છે, એટલે કે ઓલ ટાઇમ હાઇની સરખામણીએ લગભગ અડધા ભાવ પર ટ્રેડ થઈ રહી છે.
ભાવમાં તેજી પાછળના મુખ્ય કારણો
મધ્ય પૂર્વમાં તણાવ છતાં યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલા કૂટનીતિક પ્રયાસોએ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. સાથે જ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90 ડોલર પ્રતિ બેરલથી નીચે આવતા રોકાણકારોએ ફરીથી સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની અનેક કેન્દ્રીય બેંકો દ્વારા મોંઘવારી નિયંત્રણ માટે કડક નાણાકીય નીતિ અપનાવવાની શક્યતાઓ પણ કિંમતી ધાતુઓમાં રોકાણ વધારવાનું એક મહત્વનું કારણ બની રહી છે.
રોકાણકારોની નજર વૈશ્વિક પરિસ્થિતિ પર
નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ, કાચા તેલના ભાવ અને વૈશ્વિક આર્થિક નિર્ણયો સોનું-ચાંદીના ભાવની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો વૈશ્વિક અનિશ્ચિતતા યથાવત રહેશે તો કિંમતી ધાતુઓમાં વધુ તેજી જોવા મળી શકે છે.
નોંધ: કોમોડિટી માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી યોગ્ય રહેશે.
આ પણ વાંચો : HCL Techના સી. વિજયકુમાર બન્યા IT ક્ષેત્રના સૌથી વધુ પગાર મેળવનારા CEO












