અમરેલીમાં પૂરનો કહેર: રામપરા ગામે વાહનો તણાયા, રેસ્ક્યુમાં 50થી વધુને બચાવાયા

અમરેલી, 28 ઓક્ટોબર 2025: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં ધાતરવડી નદીમાં ધોધમાર પૂર આવતાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજુલા-જાફરાબાદ પંથકમાં 9 ઇંચથી વધુ વરસાદ પડતાં નદી-નાળા છલકાઈ ગયા. ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતાં 19 દરવાજા ખોલવા પડ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા.
સૌથી ગંભીર ઘટના રામપરા ગામે બની, જ્યાં દૂધ ભરેલું બોલેરો પિકઅપ વાહન ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયું. વાહન તણાઈ ગયું, પરંતુ સ્થાનિક યુવાનોએ દોરડા વડે ચાલકને ખેંચીને મોતના મુખમાંથી બચાવ્યો. તે જ વિસ્તારમાં એક બાઈક પણ પ્રવાહમાં તણાઈ ગઈ. બાઈક ચાલકને પણ સમયસર બચાવી લેવામાં આવ્યો. બંને ચાલકો સુરક્ષિત છે.
રાજુલા પોલીસ અને નગરપાલિકાની ટીમે ઝડપી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. ધાતરવડી નદીમાં ફસાયેલા ૫ લોકોને બચાવાયા. રાજુલા-પીપાવાવ ધામ નજીક ફસાયેલા ૨૨ શ્રમિકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા. તાલુકામાં કુલ 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
નદી કાંઠાના ગામોમાં સૌથી વધુ મુશ્કેલી પડી છે. રામપરા, ધરી, વાવડી સહિતના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા. ખેતરો ડૂબી ગયા. તંત્રે ગામવાસીઓને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. NDRF અને SDRF ટીમોને એલર્ટ કરાઈ છે.
જિલ્લા કલેક્ટરે વરસાદી ચેતવણીને ધ્યાને લઈને તમામ તાલુકા અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે. લોકોને નદી-નાળાની નજીક ન જવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જતા ચાર ગુજરાતીઓને ઈરાનમાં કિડનેપ કરી કરોડોની ખંડણી માંગી…












