ટ્રેન્ડિંગવર્લ્ડ

આકાશની વચ્ચોવચ ઉડી ગઈ ફ્લાઇટની છત, પરંતુ બચી ગઈ 94 જિંદગી… આ સત્ય ઘટના જાણીને ચોંકી જશો!

નવી દિલ્હીઃ 23 સપ્ટેમ્બર, 2025: Aloha Airlines Flight 243: વિમાનમાં બેઠા હોય અને અચાનક તેની છત ઉડી જાય તેવો વિચાર જ ડરામણો લાગે, પરંતુ આ ઘટના 1988માં હકીકતમાં બની હતી. હવાઈમાં અલોહા એરલાઇન્સની ફ્લાઇટ 243 સાથે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 94 લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ ઘટનાને આજે પણ ‘મિરેકલ ફ્લાઇટ’ તરીકે ઓળખવામાં આવે છે.

હવાઈમાં ફ્લાઈટની છત ઊડી ગઈ, 94 લોકોનો બચાવ

1988માં હવાઈમાં અલોહા એરલાઇન્સની ફ્લાઈટ 243 સાથે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન 24,000 ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે તેનો 18 ફૂટ લાંબો છતનો ટુકડો અચાનક ઉડી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ ગંભીર અકસ્માત છતાં 94 લોકોનો જીવ બચી ગયો હતો.

એક ફ્લાઇટ અટેન્ડન્ટનું મોત ‘

આ ઘટનામાં ફ્લાઇટ અટેન્ડન્ટ ક્લેરેબેલ લેન્સિંગ હવાના દબાણથી બહાર ખેંચાઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. જોકે, બાકીના 94 મુસાફરો અને ફ્લાઇટ સ્ટાફનો બચાવ થયો હતો. આનો શ્રેય પ્લેનના કેપ્ટન રોબર્ટ શૉર્નસ્ટાઇમર અને ફર્સ્ટ ઓફિસર મેડલિન ટૉમ્પકિન્સને જાય છે, જેમણે ત્વરિત અને સાહસિક નિર્ણય લીધા હતા.

પાઈલટોની બહાદુરીએ જીવ બચાવ્યા

અકસ્માત બાદ, વિમાનમાં જોરદાર અવાજ અને અફરાતફરી મચી ગઈ હતી. પાઈલટોને એકબીજા સાથે વાત કરવી પણ મુશ્કેલ હતી. તેમણે તરત જ ઇમરજન્સી લેન્ડિંગ શરૂ કર્યું અને પ્લેનને ઝડપથી 10,000 ફૂટની ઊંચાઈ પર લાવ્યા, જ્યાં શ્વાસ લેવા માટે પૂરતી હવા હોય છે.

એર મેડિકલ ડેટા મુજબ, આટલી ઊંચાઈ પર કોઈ પણ વ્યક્તિ ઓક્સિજન વિના થોડી મિનિટો સુધી હોશમાં રહી શકે છે, અને આ કારણે જ તમામ 94 મુસાફરોનો જીવ બચી શક્યો. પાઈલટોએ પ્લેનને માત્ર 13 મિનિટમાં માઉઇ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.

જૂનું વિમાન અકસ્માતનું કારણ બન્યું

ઘટના બાદ થયેલી તપાસમાં બહાર આવ્યું કે, આ વિમાન ઘણું જૂનું હતું. તેની બોડીમાં ‘મેટલ ફેટિગ ક્રેક’ પડી ગઈ હતી અને એરલાઇનની મેન્ટેનન્સ ટીમે તેને સમયસર શોધી નહોતી. પરિણામે, હવાના દબાણને કારણે નબળો ભાગ તૂટી ગયો અને છત ઉડી ગઈ. આ સમગ્ર ઘટનાને આજે પણ ‘મિરેકલ ફ્લાઇટ’ તરીકે યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ શાહરૂખ-રાણી મુખર્જીને નેશનલ એવોર્ડ, મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

આ પણ વાંચોઃ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં છૂપાઈને કાબૂલથી દિલ્હી આવ્યો 13 વર્ષનો છોકરો, જીવતો જોઈ તમામ લોકો ચોંક્યા

Back to top button