કરુણાંતિકા: મોડાસામાં ચાલુ એમ્બ્યુલન્સમાં ભીષણ આગ, નવજાત બાળક સહિત 4 લોકો જીવતા ભડથું

મહીસાગર, તા. 18 નવેમ્બર, 2025ઃ મહીસાગર જિલ્લામાં એક અત્યંત કરુણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં મોડાસા-અમદાવાદ હાઇવે પર વહેલી પરોઢે એક એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં તેમાં સવાર નવજાત બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓ જીવતા ભડથું થઈ ગયા હતા.
અમદાવાદ આવતી વખતે બની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, મહીસાગરની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતાં, એક દિવસના આ બીમાર બાળકને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવી રહ્યું હતું.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આ દરમિયાન, મોડાસા-અમદાવાદ રોડ પર રાણાસૈયદ નજીક પેટ્રોલ પંપની સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાવહ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર નવજાત બાળક, બાળકના પિતા, એક ડૉક્ટર અને એક નર્સનું ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ચાર વ્યક્તિઓને બચાવી શકાયા નહોતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી












