ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરમાં એક સદી જૂના મોહિનેશ્વર મંદિરમાં આગ, કારણ જાણવા તપાસ શરૂ

Text To Speech
  • રાજેશ ખન્ના – મુમતાઝની ફિલ્મ “આપ કી કસમ”ના એક પ્રસિદ્ધ ગીતની પૃષ્ઠભૂમાં આ મંદિર બતાવવામાં આવ્યું હતું
  • ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં ઊંચી પહાડી ઉપર આવેલા આ મંદિરનું નિર્માણ 1915માં થયું હતું

શ્રીનગર, 6 જૂન, 2024: જમ્મુ-કાશ્મીરમાં ગુલમર્ગસ્થિત એક સદી કરતાં વધુ જૂના વિશ્વપ્રસિદ્ધ મોહિનેશ્વર મંદિરમાં બુધવારે સાંજે આગ લાગી હતી. આગની જાણકારી મળ્યા બાદ તે ઓલવવા માટે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી, પરંતુ મંદિરના ઉપરના ભાગમાં આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા રાજ્યના વહીવટીતંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં એક ઊંચી પહાડી ઉપર 1915માં બનેલું આ મંદિર 107 વર્ષ જૂનું છે અને અનેક દાયકાથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જનાર લોકોમાંથી મોટાભાગના શ્રદ્ધાળુઓ ગુલમર્ગના આ મંદિરમાં દર્શન માટે અચૂક જાય છે. મંદિરની ચારે તરફનું દૃશ્ય એટલું આકર્ષક છે કે વિવિધ હિન્દી સિનેમામાં તેને ફિલ્માવવામાં આવે છે. જોકે આ મંદિર સુપર સ્ટાર રાજેશ ખન્ના અને મુમતાઝની એક ફિલ્મ “આપ કી કસમ”થી વધારે જાણીતું બન્યું હતું. એ ફિલ્મમાં એક આખું ગીત “જય જય શિવ શંકર, કાંટા લગે ના કંકર” આ મંદિરની પૃષ્ઠભૂમાં જ ફિલ્માવવામાં આવ્યું હતું. રાજેશ ખન્ના – મુમતાઝની આ ફિલ્મ 1974માં રિલિઝ થઈ હતી. ત્યારથી લાઈ આજ સુધી જે પણ શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન માટે જાય છે તેમને સ્થાનિક લોકો “આપ કી કસમ” ઉપરાંત અન્ય ફિલ્મોના શૂટિંગની વાત અચૂક કરે છે.

કરોડો લોકોના શ્રદ્ધા કેન્દ્ર સમાન આ મોહિનેશ્વર મંદિરમાં બુધવારે 5મી જૂને સાંજે આગ કેવી રીતે લાગી તે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ અગ્નિ શામક દળ દ્વારા આગ ઓલવી નાખ્યા બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે અને આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આગને કારણે મંદિરના ઉપરના ભાગમાં ઘણું વધારે નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સે રચ્યો ઈતિહાસ! ત્રીજી વખત અંતરીક્ષમાં ભરી ઉડાન

Back to top button