ટ્રેન્ડિંગનેશનલ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR: જાતીય શોષણના ગંભીર આરોપોમાં કોર્ટે તપાસના આદેશ આપ્યા

ઉત્તર પ્રદેશ: 22 ફેબ્રુઆરી, 2026: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી માટે કાનૂની મુશ્કેલીઓ વધી છે. પ્રયાગરાજની એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ ઝૂંસી પોલીસ સ્ટેશનમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કોર્ટે પોલીસને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આશુતોષ બ્રહ્મચારી મહારાજે કોર્ટમાં અરજી દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. બે સગીરો દ્વારા જાતીય શોષણના આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમના નિવેદનો ૧૩ ફેબ્રુઆરીએ વીડિયોગ્રાફી સાથે કોર્ટમાં નોંધવામાં આવ્યા હતા. એડીજે વિનોદ કુમાર ચૌરસિયાએ પોલીસ રિપોર્ટ અને પુરાવાઓને ધ્યાને રાખીને પોક્સો એક્ટની કલમ 5/6 અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

આશુતોષ બ્રહ્મચારીનો દાવો

ફરિયાદકર્તા આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમણે આ ઘટના સંબંધિત સીડી (CD) પણ કોર્ટને સોંપી છે. તેમણે આ ચુકાદાને ન્યાયની જીત ગણાવી છે અને સત્ય લોકો સામે લાવવા માટે પ્રયાગરાજથી વારાણસી સુધી ‘પદયાત્રા’ કાઢવાની જાહેરાત કરી છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો પક્ષ: ‘ગાય સંરક્ષણનો અવાજ દબાવવાનો પ્રયાસ’

FIR નોંધાયા બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોતાનો પક્ષ રાખતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્વામીએ કહ્યું કે, “ગાય સંરક્ષણ માટે અમે જે અવાજ ઉઠાવી રહ્યા છીએ તેને દબાવવા માટે આ જૂઠું ષડયંત્ર રચવામાં આવ્યું છે.ફરિયાદ કરનાર વ્યક્તિનો ઇતિહાસ ગુનાહિત છે અને તેનું કામ લોકો પાસેથી પૈસા પડાવવાનું છે. અમે તપાસથી ડરતા નથી, FIR એ પ્રક્રિયાનો ભાગ છે અને તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.”

પોલીસ હવે આ સંવેદનશીલ મામલે પુરાવાઓ એકત્રિત કરી તપાસ આગળ ધપાવશે. આ હાઈ-પ્રોફાઈલ કેસને કારણે ધાર્મિક અને રાજકીય જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.

Back to top button