આખરે ચીને રેર અર્થ મેટલ્સ, ખાતરની આયાતની ભારતને આપી મંજૂરી

નવી દિલ્હી, 20 ઓગસ્ટ, 2025: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ યુદ્ધને કારણે વિશ્વમાં ભારે ઉથલપાથલ મચી છે. ભારત જેવા દેશો આત્મનિર્ભરના માર્ગે વળ્યા છે તો બીજી બાજુ બે દેશો વચ્ચેની દુશ્મનીનો અંત આવી રહ્યો છે. એટલુ જ નહી વેપારની નવી દિશા પણ મળી છે. નોંધનીય છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યો છે. ટ્રમ્પની આ મનમાની વિરુદ્ધ ભારત અને ચીન નજીક આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતના બે દિવસના પ્રવાસે છે ત્યારે જ ભારતને રાહત આપતા ચીને રેર અર્થ, ખાતર અને ટનલ બોરિંગ મશીનોની ભારતમાં નિકાસ પરના નિંત્રણો હટાવી લીધા છે અને નિકાસ શરૂ કરી છે.
ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવા જોઈએ
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતુ કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવા જોઈએ. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન હિંસા પછી લગભગ સાત વર્ષે ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ પહેલાં બંને દેશના વિદેશ મંત્રીઓની મુલાકાત ભારત-ચીનના સંબંધોમાં સુધારાના સંકેત આપી રહી છે.
ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેઠક થઈ ત્યારે ભારતે રેર અર્થ, ખાતર અને બોરિંગ મશીનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી હતી. વાંગ યીએ જયશંકરને આશ્વાસન આપ્યું છે કે ચીને આ વસ્તુઓના સંબંધમાં ભારતમાં નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ મુજબ ભારતને આ વસ્તુઓની શિપમેન્ટ પહેલા જ શરૂ કરી દેવાઈ છે અને હવે ચીનના વિદેશ મંત્રીએ પણ આ બાબત સ્પષ્ટ કરી દીધી છે.
દુનિયામાં એકપક્ષીય ગુંડાગીરી બેફામ બની છે ત્યારે વિશ્વ બદલાઈ રહ્યું છેઃ વાગ યી
વાંગ યીએ જણાવ્યું હતુ કે ચીન અને ભારતના સંબંધો સહકાર તરફ પાછા ફરી રહ્યા હોવાના સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ચીન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની આ વર્ષે ઊજવણી થઈ રહી છે. બંને દેશોએ પારસ્પરિક આદર અને વિશ્વાસ સાથે સહઅસ્તિત્વ માટે યોગ્ય માર્ગે આગળ વધવું જોઈએ. બંને દેશોએ અવરોધો દૂર કરીને આત્મવિશ્વાસ સાથે એક જ દિશામાં આગળ વધતા દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા માટે સહકાર વધારવો જોઈએ. આ સાથે અમેરિકાની ટીકા કરતા વાંગ યીએ કહ્યુ કે, દુનિયામાં એકપક્ષીય ગુંડાગીરી બેફામ બની છે ત્યારે વિશ્વ બદલાઈ રહ્યું છે અને પરિસ્થિતિઓ પણ બદલાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના ટેરિફ પછી ચીને આખી દુનિયામાં રેર અર્થ મિનરલ્સનો પુરવઠો રોકી દીધો હતો. પાછળથી રવી મોસમમાં સ્પેશિયલ ખાતરનો પુરવઠો પણ રોકી દેવાયો હતો. ત્યાર બાદથી તેનો પુરવઠો ફરી શરૂ કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા હતા. હવે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાત પછી ચીને આ સપ્લાય શરૂ કરી દીધો છે.
ઓટો અને ઇલેક્ટ્રોનક્સની ચિંતાઓ થઇ દૂર
અગાઉ ઓટો અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોએ રેર અર્થ મેટલ્સ અને ખનીજો પર ચીનના પ્રતિબંધો અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ વસ્તુઓના અભાવમાં ઓટો અને ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદન પર વિપરિત અસર પડી હતી. ઈલેક્ટ્રિક વ્હિકલ, ડ્રોન અને બેટરી સ્ટોરેજ સહિત હાઈ-એન્ડ ટેક્નોલોજી ઉત્પાદનો માટે પણ રેર અર્થ ખનીજો ખૂબ જ જરૂરી છે.
રેર અર્થ મિનરલ્સ 17 ખનીજ તત્વોનું એક જૂથ છે, જેમાં ૧૫ લૈંથેનાઈડ્સ છે અને આ સિવાય સ્કેંડિયમ અને યેટ્રિયમનો પણ સમાવેશ થાય છે. આ એવા ચુંબકીય તત્વ છે, જેનો ઉપોયોગ કાર, ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો અને અન્ય વસ્તુઓમાં થાય છે. આ ચુંબક વિના આ વસ્તુઓનું ઉત્પાદન કરવું મુશ્કેલ છે. ચીન રેર અર્થના 65 ટકા ઉત્પાદન કરે છે, પરંતુ વૈશ્વિક સ્તરે 90 ટકા અંકુશ ધરાવે છે.
આ પણ વાચોઃ શ્રાવણનો અંતિમ દિવસ, પિઠોરી અમાસની પૂજા વિધિ અને પિતૃતર્પણનું મહત્ત્વ જાણો












