બોટાદના હડદડમાં ખેડૂત મહાપંચાયત બની રણસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો, AAP નેતા ઈસુદાન ગઢવીની અટકાયત

બોટાદ: બોટાદ જિલ્લાના હડદડ ગામમાં આજે ખેડૂતો દ્વારા આયોજિત મહાપંચાયતમાં ભારે હોબાળો અને તંગદિલી સર્જાઈ હતી. ‘કડદા પ્રથા’ અને કપાસના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ યોજાયેલી આ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જવાબમાં પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘટનામાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.
ગુજરાતમાં કિસાન મહા પંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આજે 12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ‘હાલ બોટાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.’
AAP નેતા ઈસુદાન ગઢવીની પણ અટકાયત
આ ઘટના પહેલાં મહા પંચાયતમાં જોડાવા જઈ રહેલા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પણ બગોદરામાં અટકાયત કરાઈ હતી. નોંધનીય છે કે, બોટાદમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતા ‘કડદા’ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આ મહા પંચાયતનું આયોજન કરાયું હતું.
બોટાદના હડદડમાં પોલીસ પર પથ્થરમારો
મળતી માહિતી મુજબ, બોટાદના હડદડમાં ચાલી રહેલી AAPની સભામાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
લોકો ગેરકાયદે એકઠા થતા પોલીસ પહોંચી હતી: પોલીસ
સમગ્ર બનાવને લઈને SPએ કહ્યું કે, ‘મંજૂરી વગર મહા પંચાયતનું આયોજન થયું હતું. લોકો ગેરકાયદે એકઠા થતા પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હડદડ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.’
હડદડ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કિસાન પંચાયતને લઈને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ શહેર અને જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેમાં પોલીસ અધિક્ષક (SP) સહિત ચાર નાયબ પોલીસ અધિક્ષક (DySP), 15 PI, 50 PSI અને 1000 પોલીસ કર્મીઓ તહેનાત કરાયા હતા, તેમ છતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












