કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સારંગપુરમાં હોટેલના ઓનલાઈન બુકિંગના નામે છેતરતી નકલી વેબસાઇટ પકડાઈ: નવસારી સાયબર ક્રાઈમે ભક્તો શું ચેતવણી આપી?

નવસારી, 4 ઓક્ટોબર, 2025: દિવાળીના તહેવારો નજીક આવતા જ, સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ સારંગપુરનાં દર્શને જવાનું આયોજન કરતા ભક્તો માટે એક લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. સારંગપુર મંદિર ટ્રસ્ટના નામનો દુરુપયોગ કરીને નકલી વેબસાઇટ દ્વારા ધર્મશાળાનું બુકિંગ કરાવવાના નામે ભક્તોને છેતરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું નવસારી સાયબર ક્રાઈમની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું છે.

ધર્મશાળાના ઓનલાઈન બુકિંગના નામે છેતરપિંડી

નવસારી સાયબર ક્રાઈમ પોલીસે sarangpurtrustdharmashala.co.in નામની એક બનાવટી વેબસાઈટ શોધી કાઢી છે. આ વેબસાઈટ દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ધર્મશાળાના રૂમ બુકિંગના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા હતા.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી: આ નકલી વેબસાઈટ ખોલતાં જ તેમાં હોટલ જેવા રૂમના આકર્ષક ફોટા અને ઓનલાઈન બુકિંગનું બટન દેખાય છે. જોકે, લેપટોપ કે કોમ્પ્યુટર પર બુકિંગ ન થતાં, જ્યારે મોબાઈલ ફોનમાં સાઇટ ખોલીને બુકિંગ બટન પર ક્લિક કરવામાં આવે છે, ત્યારે તરત જ એક સંપર્ક નંબર આવી જાય છે.

પેમેન્ટ કરીને પણ છેતરાશો: આ નંબર પર ફોન કરનાર ભક્તને રિસેપ્શન પર વાત થતી હોવાનો ડોળ કરીને, QR કોડ કે અન્ય મોબાઈલ નંબર દ્વારા તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. ભક્ત દ્વારા પૈસા ચૂકવ્યા પછી ન તો બુકિંગ પ્રમાણે રૂમ મળે છે કે ન તો પૈસા પરત આવે છે, કારણ કે આખી પ્રક્રિયા છેતરપિંડી પર આધારિત છે.

મંદિર ટ્રસ્ટની સત્તાવાર ચેતવણી અને સાયબર ક્રાઈમની અપીલ

સૌથી મહત્વની વાત એ છે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ, સાળંગપુરની આધિકારિક વેબસાઈટ પર સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે:

“સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ઉતારા (રૂમ) માટે એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગની કોઈપણ એજન્ટો દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી. આપને તે સમયની પરિસ્થિતિ મુજબ ભક્તોને મંદિરે આવ્યા બાદ જ ઉતારા (રૂમ) મળશે.”

  • આ સ્પષ્ટ સૂચના છતાં, ભોળા ભક્તો નકલી વેબસાઈટના ચક્કરમાં ફસાઈ રહ્યા હતા.
  • નવસારી સાયબર ક્રાઈમની ટીમે લોકોને અપીલ કરી છે કે કોઈપણ ઓનલાઈન આર્થિક વ્યવહાર કરતાં પહેલાં:
  • વેબસાઈટની આધિકારિકતા અને URL (એડ્રેસ) ની ખરાઈ કરવી.
  • વેબસાઈટ પરના સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો તપાસવી.
  • ધાર્મિક સંસ્થાઓના કિસ્સામાં, સત્તાવાર ટ્રસ્ટનો સીધો સંપર્ક કરીને માહિતીની પુષ્ટિ કરવી.

અગાઉ પણ નકલી વેબસાઈટ ઝડપાઈ હતી

નોંધનીય છે કે બે મહિના અગાઉ પણ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરના નામે ચાલતી નકલી વેબસાઈટ દ્વારા છેતરપિંડી કરનાર ઉત્તરપ્રદેશના અમરજિત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા ભક્તોને લલચાવીને પૈસા પડાવ્યા હતા.

આ કિસ્સાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તહેવારોના સમયમાં ઓનલાઈન છેતરપિંડી કરનારા ભેજાબાજો સક્રિય છે. ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને આર્થિક નુકસાન ન થાય તે માટે ભક્તોએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: પત્ની બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ… પતિએ રડતા રડતા 4 બાળકો સાથે નદીમાં છલાંગ લગાવી

Back to top button