ટ્રેન્ડિંગવર્લ્ડ

યુરોપમાં 12 વિમાનોને બોમ્બની ધમકી, અનેક એરપોર્ટ પર હાઈ એલર્ટ!

Bomb Threat: યુરોપમાં ગુરુવારે ફરી એકવાર સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. બોમ્બથી વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળતાં આશરે 12 વિમાનોને ડાયવર્ટ કરવા પડ્યાં અથવા ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. એક જ અઠવાડિયામાં બીજી વખત યુરોપના અનેક એરપોર્ટ પર સુરક્ષા તપાસ અભિયાન ચલાવવાની ફરજ પડી છે. આ સુરક્ષા એલર્ટ દરમિયાન ડબલિનથી રોમ જઈ રહેલી ‘એર લિંગસ’ની ફ્લાઇટ ‘EI402’ને પેરિસથી આશરે 100 કિલોમીટર દૂર ફ્રાન્સના એવ્રેક્સ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

હેલસિંકીથી રોમ જઈ રહેલી ફિનએરની ફ્લાઇટને ઇટાલીની વાયુસેનાનાં ફાઇટર જેટ્સની દેખરેખ હેઠળ ‘રોમ ફિમિસિનો એરપોર્ટ’ પર લેન્ડ કરાવવામાં આવી હતી. ઇટાલિયન પોલીસની તપાસમાં વિમાનમાંથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહોતી. આ ઉપરાંત, પોલેન્ડની એરલાઇન ‘LOT’ના એક વિમાને બેલ્જિયમના બ્રસેલ્સ ઝેવેન્ટમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. તપાસ બાદ એરલાઇને જણાવ્યું કે વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

અનેક વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

પૂર્વ અને મધ્ય યુરોપના દેશોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. બલ્ગેરિયામાં ત્રણ વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કોપનહેગન અને મેડ્રિડથી આવેલા બે વિમાનોને સોફિયામાં જ્યારે લંડનથી આવેલા એક વિમાનને પ્લોવદિવમાં ઉતારવામાં આવ્યું હતું. ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ આવી રહેલાં ચાર વિમાનોને પણ વિસ્ફોટક ઉપકરણ હોવાની ધમકી મળી હતી. જોકે, અધિકારીઓએ જોખમ ઓછું હોવાનું જણાવી લેન્ડિંગ બાદ તપાસ હાથ ધરી હતી.

રોમાનિયાના હેનરી કોઆન્ડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિલાનથી બુકારેસ્ટ જઈ રહેલી વિઝ એરની ફ્લાઇટમાંથી આશરે 200 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાના બે દિવસ પહેલાં, મંગળવારે પણ ઓછામાં ઓછાં સાત વિમાનો અને એક ક્રૂઝ શિપને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તેના કારણે એરપોર્ટની કામગીરી પર અસર પડી હતી. જોકે, મંગળવારે કરવામાં આવેલી તપાસમાં પણ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહોતી.

યુરોપને રશિયા અને ઈરાન પર શંકા

અત્યાર સુધી કોઈ સંગઠને આ ધમકીઓની જવાબદારી સ્વીકારી નથી. જોકે, યુરોપના અધિકારીઓ આ ઘટનાઓને રશિયા અને ઈરાન સાથે જોડાયેલા ‘હાઇબ્રિડ એટેક’ તથા તોડફોડના કાવતરાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. તાજેતરમાં અજાણ્યા હેકર્સે યુરોપના અનેક સુપરમાર્કેટની રેફ્રિજરેશન સિસ્ટમ અને ફ્રાન્સની બ્લડ બેંકોને પણ નિશાન બનાવી હતી. આ સાઇબર હુમલાઓને કારણે ત્યાંનું તાપમાન વધી ગયું હતું.

Back to top button