વહુના પગારમાંથી સસરાંને મળશે 20 હજારઃ ભરણપોષણ મુદ્દે હાઇકોર્ટનો મહત્ત્વનો નિર્ણય

રાજસ્થાનઃ 1 નવેમ્બર, 2025: રાજસ્થાન હાઇકોર્ટે અનુકંપાના ધોરણે નોકરી (Compassionate Appointment) ને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ ફરજંદ અલીની બેન્ચે કહ્યું કે, અનુકંપાની નિમણૂક દિવંગત કર્મચારીના સમગ્ર આશ્રિત પરિવારના હિતમાં આપવામાં આવે છે, ન કે માત્ર કોઈ એક વ્યક્તિના અંગત લાભ માટે.
આ નિર્ણય એવા કિસ્સાઓ માટે એક દાખલો બની ગયો છે, જ્યાં અનુકંપા નિમણૂકના દુરુપયોગની ફરિયાદો આવે છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ સાથે જોડાયેલો છે. અરજદાર ભગવાન સિંહના પુત્ર રાજેશ કુમારનું સરકારી સેવામાં હતા ત્યારે મૃત્યુ થયું હતું. નિગમે ભગવાન સિંહને અનુકંપાના ધોરણે નોકરીની ઓફર કરી, પરંતુ તેમણે ઉદારતા બતાવીને પોતાની વહુને નોકરી આપવા માટે ભલામણ કરી. નિમણૂક સમયે, વહુએ શપથ પત્ર આપ્યું હતું કે તે તેના સાસુ-સસરા સાથે રહેશે અને તેમનું ધ્યાન રાખશે.
શપથ પત્રનું પાલન ન થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો
થોડા સમય પછી, વહુ સાસરી છોડીને પોતાના પિયરમાં રહેવા લાગી અને સસરાના ભરણપોષણની જવાબદારી નિભાવી નહીં. ત્યાર બાદ, ભગવાન સિંહે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
હાઈકોર્ટે કહ્યું કે, અનુકંપાની નિમણૂકનો મૂળ હેતું પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો છે. જો લાભ મેળવનાર વ્યક્તિ પોતાની જવાબદારીઓમાંથી પીછેહઠ કરે છે, તો તે નીતિની ભાવના વિરુદ્ધ છે.
કોર્ટનો સખત આદેશ
કોર્ટે આદેશ આપ્યો કે, વહુના પગારમાંથી દર મહિને રૂ. 20,000ની રકમ અરજદાર ભગવાન સિંહના ખાતામાં જમા કરવામાં આવે અને આ રકમ તેમના જીવનકાળ સુધી આપવામાં આવે. આ નિર્ણય અનુકંપા નિમણૂકના દુરૂપયોગ પર લગામ કસવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :બોમ્બની ધમકી મળ્યા બાદ ઇન્ડિગો ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો :મોબાઇલ ચોરને પકડવા ચાલતી ટ્રેનમાંથી કૂદ્યો મુસાફર, ઘર સુધી પીછો કર્યો, જાણો શું છે સમગ્ર મામલો












