ટ્રેન્ડિંગનેશનલમીડિયા

AI ઈફેક્ટ વચ્ચે વધુ કમાતી પત્નીને ભરણપોષણ આપવાનો હાઈકોર્ટે કર્યો ઇનકાર

High Court refuses to grant maintenance : મુંબઈ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પતિ કરતાં વધુ આવક ધરાવતી પત્નીની વચગાળાના ભરણપોષણની માંગ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર વિદેશમાં રહેવાનો ખર્ચ વધુ હોવાના આધારે વધુ કમાતી પત્ની પોતાના ઓછા આવક ધરાવતા પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકતી નથી.

આ કેસમાં અરજદાર મહિલા વર્ષ 2011થી અમેરિકાના ન્યૂ જર્સીમાં રહે છે અને નવી દિલ્હીની એક આઈટી કંપની સાથે કાર્યરત છે. તે દર મહિને અંદાજે ₹8 લાખ જેટલી આવક મેળવે છે. બીજી તરફ, તેનો પતિ પણ આઈટી ક્ષેત્રમાં કાર્યરત છે, પરંતુ તેની આવક પત્ની કરતાં ઓછી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

₹1 લાખ ભરણપોષણ માગ્યું

પારિવારિક વિવાદ બાદ મહિલાએ ફેમિલી કોર્ટમાં દર મહિને ₹1 લાખના વચગાળાના ભરણપોષણની માંગ કરી હતી. મહિલાનું કહેવું હતું કે અમેરિકામાં જીવનનિર્વાહનો ખર્ચ ભારતની સરખામણીએ ઘણો વધારે હોવાથી તેને આર્થિક સહાયની જરૂર છે.

ફેમિલી કોર્ટે મહિલાની અરજી ફગાવ્યા બાદ તેણે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની બેન્ચે જણાવ્યું કે આઈટી ક્ષેત્રમાં સતત વધી રહેલી સ્પર્ધા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને કારણે કર્મચારીઓની નોકરી પર જોખમ ઊભું થઈ શકે છે.

કોર્ટે નોંધ્યું કે જ્યારે પત્ની પોતે પતિ કરતાં વધુ કમાણી કરતી હોય ત્યારે પતિ પર વધારાનો આર્થિક બોજ મૂકવો યોગ્ય નથી. માત્ર વિદેશમાં રહેવાનો ખર્ચ વધુ હોવો ભરણપોષણ મેળવવાનો પૂરતો આધાર બની શકે નહીં.

જોકે, કોર્ટે કાનૂની કાર્યવાહીનો ખર્ચ તરીકે પતિને પત્નીને ₹25,000 ચૂકવવાનો આદેશ યથાવત રાખ્યો છે. કેસમાં બંનેના બે સંતાનો છે. મોટા સંતાનની કસ્ટડી પિતા પાસે છે, જ્યારે નાનું સંતાન માતા સાથે રહે છે.

આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવની મુશ્કેલી વધી, ધરપકડ બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં


Back to top button