પૃથ્વી માટે ખતરનાક સંકેતઃ 17 ગણા ઝડપથી ઓગળી રહ્યો છે ગ્રીનલેન્ડનો બરફ

HD ન્યૂઝ ડેસ્કઃ Global Warming Impact: પર્યાવરણ વારંવાર માનવજાતને ખતરાના સંકેત આપી રહ્યું છે અને જો આપણે સમયસર કાળજી નહીં લઈએ તો ઘણું મોડું થઈ જશે. વૈજ્ઞાનિક નેટવર્ક વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન (WWA) એ બુધવારે (11 જૂન) એક અહેવાલમાં જણાવ્યું હતું કે મે મહિનાની લૂ (હીટવેવ) દરમિયાન ગ્રીનલેન્ડના બરફની ચાદર અગાઉની સરેરાશ કરતા 17 ગણી ઝડપથી ઓગળી ગઈ હતી, જેની અસર આઇસલેન્ડ પર પણ જોવા મળી હતી.
વિજ્ઞાન મેગેઝિન નેચરમાં 2022ના અભ્યાસ મુજબ, આર્કટિક પ્રદેશ ગ્લોબલ વોર્મિંગમાં મોખરે છે, જે 1979થી બાકીના ગ્રહ કરતાં ચાર ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે.
WWA રિપોર્ટના લેખકોમાંના એક, ઇમ્પીરીયલ કોલેજ લંડન ખાતે આબોહવા વિજ્ઞાનના એસોસિયેટ પ્રોફેસર, ફ્રેડેરિક ઓટ્ટોએ પત્રકારોને જણાવ્યું હતું કે, “પ્રારંભિક વિશ્લેષણથી, ગ્રીનલેન્ડની બરફની ચાદર ઓગળવાનો દર 17 ગણો વધારે છે… જેનો અર્થ એ છે કે દરિયાઈ સપાટીમાં વધારો થવામાં ગ્રીનલેન્ડની બરફની ચાદરનું યોગદાન આ ગરમીની લહેર વિના જેટલું હોય છે, તેના કરતા ઘણું વધારે છે. આબોહવા પરિવર્તન વિના આ અશક્ય હોત.’
આઇસલેન્ડમાં પણ સ્થિતિ ગંભીર
આઇસલેન્ડમાં 15મેના દિવસે તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ (79 ફેરનહીટ)ને વટાવી ગયું. આ સબ-એન્ટાર્કટિક ટાપુ પર વર્ષના આ સમયે ઈતિહાસમાં આ પહેલાં આવી સ્થિતિ ક્યારેય જોવા મળી નથી. WWA એ જણાવ્યું કે, આઇસલેન્ડમાં આ મે મહિનામાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, 1991-2020 સુધીના સરેરાશ મે મહિનામાં દૈનિક મહત્તમ તાપમાન કરતાં 13 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે.
કેમ છે ખતરનાક?
WWAએ કહ્યું કે, ‘પૂર્વી ગ્રીનલેન્ડમાં, હીટવેવ દરમિયાન સૌથી વધારે ગરમ દિવસ પૂર્વ-ઔદ્યોગિક હવામાનની તુલનામાં લગભગ 3.9 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું. જોકે, દુનિયાભરમાં મોટાભાગના લોકોના અનુભવથી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસની ગરમી એક ચરમ ઘટનાની જેમ નથી લાગી શકતી. પરંતુ, આ દુનિયાના એક ભાગ માટે હકીકતમાં મોટી વાત છે. આ આખી દુનિયાને મોટાપાયે પ્રભાવિત કરી શકે છે.’
WWA અનુસાર, આ મે મહિનામાં આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડમાં જોવા મળેલી ગરમી રેકોર્ડ બ્રેક 100 વર્ષમાં ફરી આવી શકે છે. ગ્રીનલેન્ડના સ્વદેશી સમુદાયો માટે ગરમ તાપમાન અને ઓગળતો બરફ તેમની શિકાર કરવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. જેનાથી તેમની આજીવિકા અને જીવન માટે જોખમ ઊભું થઈ જાય છે. આ બદલાવ બંને દેશોના માળખાને પ્રભાવિત કરે છે. ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડમાં, માળખાગત સુવિધાઓ ઠંડા હવામાન માટે બનાવવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ઉનાળા દરમિયાન બરફ ઓગળવાથી પૂર આવી શકે છે અને રસ્તા તેમજ માળખાગત સુવિધાઓને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ રેલવેના બે પ્રોજેક્ટની મળી મંજૂરીઃ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત, આ રાજ્યોને મળશે લાભ












