હું ધારાસભ્ય છું… ચેકિંગ દરમિયાન ફેઇલ થયો MLAનો પાવર, જજે ફટકાર્યો મસમોટો દંડ

Magistrate Checking: મધ્ય પ્રદેશના ડબરામાં મેજિસ્ટ્રેટ ચેકિંગ દરમિયાન એક ચોંકાવનારી અને રસપ્રદ ઘટના સામે આવી છે. રસ્તા પર પોતે ચેકિંગ કરી રહેલા જજોએ કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ રાજેની લક્ઝરી કારને અટકાવી હતી. કાર પર ગેરકાયદેસર રીતે હૂટર લગાવેલું જોઈને જજોએ કડક વલણ અપનાવ્યું હતું અને ધારાસભ્યને અડધો કલાક સુધી રસ્તા પર ઊભા રહેવું પડ્યું હતું.
10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
જજોના નિર્દેશ પર ઘટનાસ્થળે જ ધારાસભ્યની કારમાંથી હૂટર ઉતારી દેવામાં આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ ધારાસભ્યને 10 હજાર રૂપિયાનો માતબર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય સુરેશ રાજેએ પોતાનો પરિચય આપવાની કોશિશ કરી હતી, પરંતુ જજો સામે તેમનું કંઈ ચાલ્યું નહોતું.
જ્યારે જજ પોતે રસ્તા પર ઉતર્યા
સામાન્ય રીતે રસ્તાઓ પર પોલીસ ચેકિંગ કરતી જોવા મળતી હોય છે, પરંતુ ડબરામાં નજારો કંઈક અલગ જ હતો. અહીં જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ પોતે ચેકિંગ અભિયાનની દેખરેખ રાખી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય સુરેશ રાજેની સફેદ રંગની SUV ત્યાંથી પસાર થઈ હતી. ગાડી પર હૂટર જોઈને જજોએ તેને તરત જ રોકવી હતી. ધારાસભ્યએ પોતાની ઓળખ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જજોએ સ્પષ્ટ કર્યું કે કાયદાની નજરમાં કોઈ નાનું કે મોટું હોતું નથી.
ધારાસભ્યએ ભૂલ સ્વીકારી દંડ ભર્યો
ચેકિંગ દરમિયાન ગાડીના દસ્તાવેજો અને હૂટરના ઉપયોગ અંગે જજોએ ધારાસભ્યને સવાલો પૂછ્યા હતા. સંતોષકારક જવાબ ન મળતા મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ધારાસભ્યની હાજરીમાં જ મિકેનિક બોલાવી ગાડીમાંથી હૂટર અલગ કરવામાં આવ્યું હતું. અંતે ધારાસભ્યએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી અને સ્થળ પર જ 10 હજાર રૂપિયાનું ચલાણ ભરીને ત્યાંથી રવાના થયા હતા.
આ પણ વાંચોઃ ઇરાને અમેરિકન યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકનને નિશાન બનાવી, ક્રૂઝ મિસાઇલથી કર્યો હુમલો
આ પણ વાંચોઃ GUJCET 2026 માટે શિક્ષણ બોર્ડ તૈયાર, 36 ઝોનના 668 કેન્દ્રો પર 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












