રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી છે. આ અંગેની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્યા કારણોસર આપઘાત કર્યો છે હાલ તે દિશામા તપાસ કરવામાં આવી રહ્યું છે.
એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીત રસિક પાબારીનું નામ આપી જણાવ્યું હતું કે તે તેમનાં માતા-પિતા સાથે રહે છે. વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફેન્ડ રિકવેસ્ટ આવી અને વાતચીત ચાલુ કરી હતી. જીત પાબારીએ જણાવ્યું કે મને તું પસંદ છો. બાદમાં બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયાં હતાં. 8 ઓકટોબર, 2021ના બંનેનાં પરિવારજનોના નકકી થયા મુજબ ગોળધાણાની વિધિ કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 22ના રોજ બંનેની સગાઈ કરવામાં આવી હતી.
મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યાર બાદ સગાઈ તોડી નાખવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એક વર્ષ પહેલા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમવાર સિઝન્સ હોટલમાં સગાઈ વખતે આરોપીએ બળજબરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા લોકો હોવાથી તેણે પ્રતિકાર કર્યો હતો. બાદમાં જીતના પરિવાર સાથે કૌટુંબિક ફંકશન માટે દુબઈ ગઈ હતી. ત્યાર બાદ દિવાળીના સમયમાં આરોપીના ઘરે ગઈ ત્યારે રૂમમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ મોબાઈલ ફોનમાં ઉતારેલો વીડિયો અને ફોટોગ્રાફસ દેખાડી તેને બ્લેકમેઈલ પણ કર્યા હતા.












