Operation Sindoor ચાલુ રાખો, સરકારની સુરક્ષામાં મોટી ભૂલ: ઓવૈસીની અવળચંડાઇ કે રાજકીય માઇલેજની નીતિ?

- તેલંગાણામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધમાં જાહેર સભાને સંબોધિત કરી
એચડી ન્યૂઝ ડેસ્ક, 17 જુલાઇ 2025: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું કે, પહેલગામ હુમલો કેન્દ્ર સરકારની સુરક્ષામાં ભૂલનું જીવંત ઉદાહરણ છે. તેમણે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના રાજીનામાની પણ માંગ કરી છે. ભારતની પ્રતિષ્ઠા વધારવા વિદેશોમાં ગયેલા પ્રતિનિધિ મંડળના તેઓ એક સભ્ય હતા. આ રીતના નિવેદન અવળચંડાઇ છે કે રાજકીય માઇલેજ લેવાની નીતિ છે તે સવાલ સામે આવ્યો છે. કારણ કે બિહારની સત્તામાં પણ ભાગીદારી ઇચ્છતા હોવાના અગાઉ અહેવાલ આવ્યા છે.
આતંકવાદી હુમલાનો બદલો લેવો જોઈએ
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે રાત્રે તેલંગાણાના બોધન શહેરમાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરી. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલો વડા પ્રધાન મોદી સરકારની સુરક્ષામાં ભૂલનું ઉદાહરણ છે. ઓવૈસીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવો જોઈએ અને ઓપરેશન સિંદૂર ચાલુ રાખવું જોઈએ. ઓવૈસીએ કહ્યું કે, જ્યાં સુધી તે ચાર આતંકવાદીઓ પકડાય નહીં ત્યાં સુધી અમે કેન્દ્ર સરકારને પ્રશ્ન કરીશું, જેમણે 26 ભારતીયોનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી હતી.
સિંહા પદ પરથી રાજીનામું આપે
થોડા દિવસો પહેલા સિંહાએ પહેલગામ હુમલા માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા. ઓવૈસીએ આ માટે તેમના પર નિશાન સાધ્યું. સિંહા ઘટનાના ત્રણ મહિના પછી જવાબદારી લઈ રહ્યા છે. જો તેઓ આ હુમલા માટે જવાબદાર છે, તો તેમને લેફ્ટનન્ટ ગવર્નર પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે પોતાનું પદ છોડી દેવું જોઈએ.
‘હું આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લઉં છું’- મનોજ સિંહા
મનોજ સિંહાએ થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું પહેલગામ હુમલાની સંપૂર્ણ જવાબદારી લઉં છું, કારણ કે આ હુમલો વાસ્તવમાં સુરક્ષામાં ખામી હતી. જે જગ્યાએ હુમલો થયો તે એક ખુલ્લું મેદાન હતું અને ત્યાં સુરક્ષા દળો માટે કોઈ સુવિધા કે સ્થાન નથી. સિંહાએ કહ્યું કે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર નહીં પરંતુ દેશની આત્મા પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરવા માંગતું નથી. તેથી જ તેણે પ્રવાસીઓ પર અને તેમના ધર્મ પૂછીને આ હુમલો કર્યો.
આ પણ વાંચો:મને કંઇ થયું તો મુનીર જવાબદાર, આતંકવાદીઓને જેલમાં તેમના કરતા સારી સ્થિતિમાં રખાય છે: ઇમરાન












