અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર દોઢ વર્ષનું બાળક ત્યજી દેનાર માતા સામે ફરિયાદ

અમદાવાદ 5 ઓક્ટોબર 2025: અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દય માતાએ પોતાના દોઢ વર્ષના બાળકને ત્યજી દીધું હતું. આ મામલે હવે બાળકની માતા સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના 11 જૂને બની હતી. બાળકની માતા ગીતા મંદિર બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર-1 પર બાળકને એકલું મૂકીને ફરાર થઈ ગઈ હતી. બસ સ્ટેન્ડ પર હાજર લોકોની નજર આ બાળક પર પડતા તેમણે પોલીસ અને ચાઈલ્ડ હેલ્પલાઈનને જાણ કરી હતી.
બાળ સુરક્ષા અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ ત્યજી દેવાયેલા આ દોઢ વર્ષના બાળકને હાલમાં મહિપતરામ રૂપરામ આશ્રમ (બાળ ગૃહ) ખાતે સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યું છે, જ્યાં તેની સંભાળ લેવામાં આવી રહી છે.
બાળકને ત્યજી દેવાના આ ગંભીર કૃત્ય બદલ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને ફરાર માતાની ઓળખ કરવા અને તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાળકની માતા વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 23 થયો; મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે












