“આવો, મને પકડી લો…”, માદુરોની જેમ કોલંબિયાના રાષ્ટ્રપતિએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને ચેલેન્જ આપી, જાણો તેમણે શું કહ્યું?

વેનેઝુએલામાં અમેરિકી સેનાના ઓપરેશન બાદ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેલેન્જ આપી છે. પેટ્રોએ આ ઓપરેશનની કડક ટીકા કરી અને ટ્રમ્પને સીધો પડકાર આપતા કહ્યું, “આવો, મને પકડી લો. હું અહીં રાહ જોઈ રહ્યો છું.”
તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જો બોમ્બમારી કરવામાં આવશે, તો ગ્રામ્ય વિસ્તારોના લોકો હજારોની સંખ્યામાં પહાડોમાં જઈને ગુરિલા બની જશે. અને જો રાષ્ટ્રપતિને હિરાસતમાં લેવામાં આવશે, તો શાસકોને જનતાના ગુસ્સાનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે પેટ્રો પોતે 1990ના દાયકામાં હથિયાર છોડતા પહેલાં વામપંથી ગેરિલા રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે “મેં ફરી ક્યારેય હથિયાર ન ઉઠાવવાની કસમ ખાધી હતી, પરંતુ માતૃભૂમિ માટે જરૂર પડે તો ફરી હથિયાર ઉઠાવીશ”.
બન્ને દેશોમાં તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે વેનેઝુએલા પર હુમલા બાદ ટ્રમ્પે રવિવારે કહ્યું કે કોલંબિયાને એવી વ્યક્તિ ચલાવી રહ્યો છે જે અમેરિકાને ડ્રગ્સ વેચે છે. ટ્રમ્પે કહ્યું હતું, “કોલંબિયા પણ ખૂબ બિમાર છે, તેને એક બિમાર માણસ ચલાવી રહ્યો છે જેને કોકેઈન બનાવવી અને તેને અમેરિકામાં વેચવી ગમે છે. પરંતુ તે આ લાંબા સમય સુધી નહી કરી શકે.”
Colombia’s President Gustavo Petro appears to taunt U.S. President Donald Trump, saying, “Come get me, coward! I’m waiting for you here.” pic.twitter.com/Qk3MfsfsqO
— Geo View (@theGeoView) January 5, 2026
ઓક્ટોબર મહિનામાં, ટ્રમ્પે ગેરકાયદેસર નશીલી દવાઓના વેપારને લઈને પેટ્રો અને તેમના પરિવારના સભ્યો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોલંબિયા વિશ્વનો સૌથી મોટો કોકેઇન ઉત્પાદક દેશ છે. કોકા પ્લાન્ટની ખેતી મુખ્યત્વે ત્રણ લેટિન અમેરિકન દેશોમાં થાય છે – પેરુ, બોલીવિયા અને કોલંબિયા.
ઓગસ્ટ મહિનામાં, વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોએ પણ ટ્રમ્પને આવીને પકડી લેવાની ચેલેન્જ આપી હતી. અમેરિકાએ માદુરોની ધરપકડ માટે માહિતી આપવા પર ઇનામ વધાર્યું હતું. ત્યારબાદ માદુરોએ એક ભાષણમાં કહ્યું હતું, “આવો મને પકડી લો. હું રાહ જોઈ રહ્યો છું. મોડું ના કરતા, કાયર.”
વ્હાઇટ હાઉસે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને માદુરોની મજાક પણ ઉડાવી. વીડિયોમાં માદુરોએ અમેરિકાને ચીડવતા અને પછી તેમને જ પકડવા માટે કરાયેલા ઓપરેશનના દ્રશ્યો બતાવ્યા હતા.
Nicolas Maduro had his chance — until he didn’t.
The Trump Admin will always defend American citizens against all threats, foreign and domestic. 🇺🇸🦅 pic.twitter.com/eov3GbBXf4
— The White House (@WhiteHouse) January 4, 2026
જણાવી દઈએ કે શનિવારે, અમેરિકન સૈન્યએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કર્યો અને રાષ્ટ્રપતિ માદુરોનું અપહરણ કર્યું. અમેરિકન સૈનિકો માદુરો અને તેમની પત્નીને ન્યૂયોર્ક લઈ ગયા. તેમના પર ન્યૂયોર્કમાં કેસ ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: માદુરોની પત્ની સિલિયા ફ્લોરેસની હાલત જોઈને તમે ચોંકી જશો, અમેરિકન સૈનિકોએ તેની સાથે શું કર્યું?












