ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગવિશેષ
રાજકોટના વીંછિયામાં રવિવારે CMએ 19 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું

રાજકોટના વીંછિયાના સોમ પીપળીયા ગામમાં રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. તેઓએ વીંછિયા તાલુકાના ગામો માટેની 4.30 કરોડના ખર્ચે બનનાર નાની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું. બાદમાં જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વીંછિયા-જસદણ તાલુકના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ જસદણ-વીંછિયા પંથકના 19 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ઘેલા સોમનાથ મહાદેવ મંદિર માટે 10 કરોડની પ્રપોઝલની કામગીરી જલ્દી કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે આપણે કેટલા આગળ વધ્યા છીએ, રાજ્ય કેટલું આગળ વધ્યું છે. જ્યારે પાછું વળીને જોઈએ તો ખબર પડે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. નાનામાં નાના ગામ સુધી રાજ્ય સરકારની યોજના પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. પહેલા 3500 ચેકડેમો હતા. આજે 1.65 લાખ ચેકડેમો બન્યા છે. દરેકે દરકે ગામમાં 24 કલાક વીજળી મળતી થઈ છે.

મુખ્યમંત્રીએ ક્યાં-ક્યાં વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા ?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ.19 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જળ સંગ્રહ ક્ષેત્રે વીંછિયાના સોમપીપળીયા (ગોડલાધાર) ખાતે રૂ. 4કરોડ 39 લાખના ખર્ચે તૈયાર થનાર નાની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત, જસદણ-ભડલી-ગઢડા મુખ્ય માર્ગ પર, ભડલી ગામ પાસે અંદાજે રૂ.5 કરોડ 39 લાખના ખર્ચે મેજર બ્રિજ, ગોડલાધારમાં અંદાજે રૂ.314.03 લાખના ખર્ચે નવી બે માળની આધુનિક માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને આટકોટમાં અંદાજે રૂ. 211 લાખના ખર્ચે અદ્યતન બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે વીરપુરમાં રૂ. 269.31 લાખના ખર્ચે અને કોટડા સાંગણીમાં રૂ.102.11 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નાની સિંચાઈ યોજનાથી શું લાભ થવાના છે ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીંછીયા પંથકમાં જે નાની સિંચાઈ યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા તે 32 MCFT સ્ટોરેજ કેપેસિટી ધરાવતી અને સ્થાનિક લોકોમાં પાનીયો સિંચાઈ યોજના તરીકે ઓળખાતી આ યોજના પાછળ રૂ.4.30 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી 18 મહિનામાં આ યોજના સાકાર થયે તેના થકી વિવિધ ગામોની કુલ 222.17 હેક્ટર ખેત જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળતો થશે. આ યોજના સાકાર થતા કેટલાક ગામોનાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે એવો દાવો થઈ રહ્યો છે.

સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રીએ પૂજા અર્ચના કરી
વીંછીયા ખાતે કરોડોના વિકાસકામોની ભેટ આપવા માટે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. જ્યાં તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ આ પંથકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુંકાવ્યું હતું અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.












