ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ કે છોડી? ચીફ સિલેક્ટર અજિત અગરકરે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 4 ઓક્ટોબર, 2025: ટેસ્ટ પછી હવે ભારતની વન-ડે ટીમનો કેપ્ટન પણ શુભમન ગિલ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ વન-ડે અને ટી-20 ટીમની જાહેરાત કરી હતી.

વિરાટ કોહલી અને રોહિત શર્માનો વન-ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે રોહિત શર્મા હવે માત્ર સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે રમશે. રોહિત શર્માએ કેપ્ટનશીપ છોડી કે તેને હટાવવામાં આવ્યો, તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જોકે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નિવેદન પરથી એવું લાગે છે કે કદાચ તેમને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યા છે.

ટીમની જાહેરાત દરમિયાન અજિત અગરકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પસંદગીકારો ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવાના પક્ષમાં નહોતા.

પ્રેસ કોન્ફરન્સમાં અજિત અગરકરે કહ્યું, “ત્રણેય ફોર્મેટ માટે ત્રણ અલગ-અલગ કેપ્ટન રાખવા વ્યવહારિક રીતે અશક્ય છે. વન-ડે ક્રિકેટ હાલમાં સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. અમારું ધ્યાન આગામી ટી-20 વર્લ્ડ કપ પર છે. અમે ગિલને એડજસ્ટ થવા માટે સમય આપવા માંગીએ છીએ.”

રોહિત-વિરાટ સંપૂર્ણપણે ફિટ: અજિત અગરકર
અજિત અગરકરે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે કહ્યું કે, “વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટીમમાં સામેલ થવા માટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે. અમે હંમેશા પસંદ કરાયેલા ખેલાડીઓના નામ સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ને મોકલીએ છીએ અને તેમની ફિટનેસની પુષ્ટિ કરીએ છીએ.”

અજિત અગરકરે એ પણ સ્પષ્ટ કર્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને 2027 વર્લ્ડ કપમાં રમવા માટે પ્રતિબદ્ધ (Committed) છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની વન-ડે ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.

Back to top button