અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ધૂળેટી પાર્ટીમાં ગડબડ: બ્રજ વાઇબ્સમાં અવ્યવસ્થાથી ખેલૈયાઓનો હોબાળો, ડીજે-મંડપમાં તોડફોડ

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર ધૂળેટીની ઉજવણી દરમિયાન હોબાળો મચી ગયો હતો. અહીં ‘બ્રજ વાઇબ્સ’ દ્વારા આયોજિત ધૂળેટી પાર્ટીમાં મ્યુઝિક બંધ થતાં અને સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા યુવકોએ ડીજે સિસ્ટમ અને મંડપના ડેકોરેશનમાં તોડફોડ કરી હતી.

સિંધુભવન રોડ પર આવેલા ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાંમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી દરમિયાન અચાનક મ્યુઝિક બંધ થઈ જવાથી તેમજ પૂરતી સુવિધાઓ ન મળવાના આક્ષેપ સાથે કેટલાક યુવકો રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા યુવકોએ ડીજે સિસ્ટમને પાડી દીધી હતી તેમજ મંડપ અને ડેકોરેશનમાં પણ તોડફોડ કરી હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે હાજર લોકોને સમજાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને આયોજકો સાથે પણ ચર્ચા કરી મામલો શાંત પાડ્યો હતો. જોકે આ મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

બીજી તરફ ‘બ્રજ વાઇબ્સ’ના આયોજક વીરસિંઘે જણાવ્યું હતું કે ધૂળેટી પાર્ટી માટે ડીજે સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ કેટલાક ચાર-પાંચ લુખ્ખા તત્વોએ અચાનક હોબાળો મચાવી તોડફોડ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ એક સમયે મ્યુઝિક બંધ થતાં કેટલાક લોકો દ્વારા ગેરસમજ ફેલાઈ હતી અને બાદમાં હોબાળો થયો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. ઉપરાંત પાર્ટીમાં આવેલા લોકોને રિફંડ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પાર્ટી પ્લોટમાં લોકો તોડફોડ કરતા તેમજ ડીજે સેટ અને ડેકોરેશનને નુકસાન પહોંચાડતા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને કારણે ધૂળેટી ઉજવણી દરમિયાન સર્જાયેલા હોબાળાની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.

આ પણ વાંચો: ઈરાન સાથે યુદ્ધની વચ્ચે અમેરિકાએ ખતરનાક મિસાઈલનું પરીક્ષણ કર્યું, હિરોશિમા કરતા વધારે મચાવી શકે છે તબાહી

 

Back to top button