દ્વારકા દર્શન માટે બોલાવી કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવ્યા, રૂ.10 કરોડ માંગી સવા કરોડ પડાવ્યા

દ્વારકા, 26 એપ્રિલ : યાત્રાધામ દ્વારકામાં રાજકોટના કારખાનેદારને દર્શન કરવા માટે બોલાવી એક યુવતી સહિત ત્રણ શખસોએ હની ટ્રેપમાં ફસાવી રૂ.10 કરોડની માંગણી કરી રૂ.સવા કરોડ પડાવી લેતા કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં યુવતીનો સંપર્ક થયા બાદ તેને મળવા ગયેલા કારખાનેદારને નકલી પોલીસ ભટકાઈ હતી જેણે દૂષ્કર્મ અને ડ્રગ્સના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.
વૃદ્ધ કારખાનેદારે નોંધાવી ફરિયાદ
મળતી માહિતી મુજબ, રાજકોટમાં અમીન માર્ગ પર પંચવટી સોસાયટીમાં રહેતા અને જવેલરી ડિઝાઈન ટુલ્સનું કારખાનું ધરાવતા નરેશભાઈ દેવરાજભાઈ સોરઠીયા (ઉ.૬૪)એ આરશુસિંઘ ઉર્ફે નિકીતા નામની યુવતી તથા પોલીસ ડ્રેસમાં આવેલા સંજય કરંગીયા અને એસ.જે.સોલંકી નામવાળા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા દર્શન કરી સંબંધ કેળવવા લાલચ આપી
જેમાં જણાવ્યું તેમણે જણાવ્યું છે કે, દસેક દિવસ પહેલા મોબાઈલ ફોનમાં ટીંડર એપ્લીકેશનનાં માધ્યમથી આરશુ સિંઘ ઉર્ફે નિકીતા નામની યુવતી સંપર્કમાં આવી હતી. જેણે એકાદ સપ્તાહ સારી સારી વાતચીત કરીને મિત્રતા કેળવ્યા બાદ દ્વારકા જઈને દર્શન કર્યા બાદ સંબંધ આગળ વધારવાની લાલચ આપી હતી. જેથી બન્ને એક-બે વખત રાજકોટમાં રૂબરૂ મળ્યા બાદ તા.૨૩મીએ કાર લઈનેબન્નેદ્વારકા જવા રવાના થયા હતા.
વૃદ્ધને બે પોલીસકર્મીઓનો ભેટો થયો
આ દરમિયાન ઓખામઢી ટોલનાકાથી દ્વારકા તરફ પાંચેક કી.મી. દુર પહોંચતા સંજય કરંગીયા તથા એસ.જે. સોલંકી નામવાળા બે શખ્સોએ પોલીસ ડ્રેસમાં નંબર પ્લેટ વિનાની સફેદ કલરની કારમાં આવીને તેઓને અટકાવ્યા હતા. બાદમાં તેઓએ ચેકીંગ કરતા નિકીતાની બેગમાંથી સફેદ કલરના પાવડરની પડીકી નીકળી હતી, જે લઈને બન્ને શખ્સોએ કહ્યુંકે, ‘આ તો ડ્રગ્સ છે. તમે દેશદ્રોહનો ગુનો કર્યો છે.’ આ સાથે પોલીસ કેસ કરવાની ધાક-ધમકી આપી હતી.
યુવતીએ પોલીસ સાથે સેટિંગ કરવાનું કહ્યું
આ દરમિયાન નિકીતાએ સેટીંગ કરવાનું કહીને બન્ને પોલીસવાળા સાથે રૂ.10 કરોડમાં સેટલમેન્ટ નક્કી કર્યું હતું. જેથી કારખાનેદાર નરેશભાઈ સોરઠીયાએ પોતાના પુત્રને ફોન કરીને તાબડતોબ આંગડીયા પેઢી મારફતે દ્વારકા ખાતે એક કરોડ વીસ લાખ રૂપિયા મંગાવ્યા હતા, જે પોલીસની વર્દી પહેરેલા બન્ને શખ્સો લઈને જતાં રહ્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બાદમાં હની ટ્રેપમાં ફસાયાની ખબર પડી જતાં નિકીતાએ પણ બાકીને રૂપિયા માંગીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કોઈ પર્વતભાઈ આમિન નામના તેના ભાઈ સાથે ફોનમાં વાત કરાવી જાનથી મારી નાખવાની ધમકી અપાવીને નાસી છૂટી હતી. જેથી કારખાનેદારે યુવતી સહિત ચારેય શખ્સો વિરૂધ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ ચાલુ કરાયો છે.
આ પણ વાંચો :- ગુજરાતમાં સરકારી કચેરીઓ સવારે 9.30થી સાંજે 5.10 વાગ્યા સુધી શરૂ રાખવા ભલામણ












