બિઝનેસ

શેરબજારમાં અચાનક મોટો કડાકો: રોકાણકારોના ₹2 લાખ કરોડ ધોવાયા!

Stock Market Update: સોમવારે યુએસ શેરબજારમાં નોંધાયેલી જોરદાર તેજી છતાં, મંગળવારે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 329.91 પોઈન્ટ એટલે કે 0.44% ઘટીને 74,529.08 ની સપાટીએ બંધ રહ્યો હતો. આ જ રીતે, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 85 પોઈન્ટ અથવા 0.36% ની નરમાઈ સાથે 23,329.00 ના સ્તરે રેડ ઝોનમાં બંધ થયો હતો. આઇટી, બેંકિંગ અને કન્ઝ્યુમર ગુડ્સ શેરોમાં વ્યાપક વેચવાલીના કારણે બજાર પર ભારે દબાણ સર્જાયું હતું.

લીલા નિશાનમાં શરૂઆત બાદ અચાનક ગાબડું

મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક રહી હતી અને નિફ્ટી 23,454.05 પર ખુલ્યા બાદ ટ્રેડિંગ દરમિયાન 23,489 ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના ઉત્તરાધમાં સેન્ટિમેન્ટ અચાનક બદલાતાં વેચવાલીનો દોર શરૂ થયો હતો અને એક સમયે નિફ્ટી ગગડીને 23,285.75 ની નીચલી સપાટી સુધી પહોંચી ગયો હતો. વિદેશી બજારો તરફથી મજબૂત સંકેતો મળવા છતાં બજારમાં અચાનક આવેલી આ નરમાઈથી રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રોકાણકારોના ₹2 લાખ કરોડ ધોવાયા

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સેન્સેક્સ પોતાની દૈનિક ઊંચાઈથી લગભગ 600 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,300 ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી નીચે સરકી ગયો હતો. મંગળવારે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. મોટાભાગના ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં રહેતા BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ₹2 લાખ કરોડથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોને ભારે આર્થિક ફટકો પડ્યો હતો.

નાણાકીય શેરો પર દબાણ સામે કોલ ઇન્ડિયામાં તેજી

ટોચના ઘટેલા શેરોમાં નાણાકીય અને ગ્રાહક ઉપયોગી વસ્તુઓના શેરોએ બજાર પર સૌથી વધુ દબાણ બનાવ્યું હતું. જેમાં બજાજ ફિનસર્વ 1.4%, ટાટા કન્ઝ્યુમર 1.6%, ટ્રેન્ટ 1.2% અને બજાજ ફાઇનાન્સ 1.2% ઘટીને બંધ રહ્યા હતા. બીજી તરફ, માર્કેટના આ ઘટાડા વચ્ચે પણ કેટલાક શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. જેમાં કોલ ઇન્ડિયામાં સૌથી વધુ 3.2% નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ઇન્ડિગો 1.8%, ઇટરનલ 1.8% અને ટાઇટનમાં લગભગ 1% નો સુધારો નોંધાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કડાકા પાછળના મુખ્ય કારણો

સતત ચાર સત્રના ઘટાડા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને લગભગ $100 પ્રતિ બેરલ સુધી પહોંચવા છતાં બજાર રિકવર થઈ શક્યું નહોતું. બજાર વિશ્લેષકોના મતે, વિદેશી રોકાણકારો (FPIs) દ્વારા સતત કરવામાં આવી રહેલી ચોખ્ખી વેચવાલી અને વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ભૌગોલિક-રાજકીય (Geopolitical) અનિશ્ચિતતાઓ આ કડાકા માટે મુખ્ય જવાબદાર છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ફુગાવાનો ડર અને આયાત ખર્ચ વધવાની ચિંતાઓ બજારની ભાવના પર સતત નકારાત્મક અસર કરી રહી છે.

આ પણ વાંચો: Silver Price Fall: ચાંદી ₹2,200થી વધુ સસ્તી, અચાનક ગગડ્યો ભાવ; સોનામાં પણ મોટો ઘટાડો

Back to top button