નેપાળમાં બસ દુર્ઘટના: મનાકામના મંદિરથી પરત ફરતા 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત

Bus accident in Nepal: નેપાળના ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં શનિવારે રાત્રે ભારતીય યાત્રાળુઓને લઈને જતી બસ ખીણમાં પડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓ મનાકામના મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બસ રસ્તા પરથી સરકીને લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ. બસમાં એક ડઝનથી વધુ યાત્રાળુઓ સવાર હતા. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 7 યાત્રાળુઓને સારવાર માટે ભરતપુર સ્થિત ચિતવન મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પછી મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
પ્રશાસન મુજબ બસ મનાકામના મંદિરથી તનહુન જિલ્લાના અંબુખૈરેની વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો. પોલીસ હાલ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. ગોરખા જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી સૂરજ આર્યલે જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે અને બધા ભારતીય નાગરિકો છે.
જિલ્લા પોલીસ પ્રમુખ ભરત બહાદુર બીકે અનુસાર મૃતકોની ઓળખ મુથુ કુમાર (58), અનામાલિક (58), મીનાક્ષી (59), શિવગામી (53), વિજયલ (57), મીના (58) અને તમિલરસી (60) તરીકે થઈ છે. હિમાલયન ટાઈમ્સના અહેવાલ મુજબ, ઇલેક્ટ્રિક બસનો ડ્રાઈવર સુરક્ષિત બચી ગયો હતો, જ્યારે તેનો સહાયક આ અકસ્માતમાં ઘાયલ થયો છે.
નેપાળમાં માર્ગ અકસ્માતનું વધતું જોખમ
વર્લ્ડ બેંકના અભ્યાસ મુજબ નેપાળમાં માર્ગ અકસ્માતોથી થતું આર્થિક નુકસાન 2007 પછી ત્રણ ગણું વધી ગયું છે અને હવે તે દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 1.5% જેટલું છે. વર્લ્ડ બેંકના અનુસાર નેપાળમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 70%થી વધુ લોકો રાહદારીઓ, સાયકલ સવારો અને મોટરસાયકલ સવારો હોય છે.
આ પણ વાંચો: રાજકોટમાં ગેસ સંકટથી ખાણીપીણીના ધંધાર્થીઓ મુશ્કેલીમાં, અનેક લારીઓ બંધ












