કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલીના વડિયામાં વૃદ્ધ દંપતીની નિર્દય હત્યાથી ચકચાર: લૂંટના ઈરાદે હુમલાની આશંકા

અમરેલી 20 જુલાઈ, 2025: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં 70 વર્ષીય ખેડૂત દંપતી ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની નિર્દય હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં આરોપીઓએ કુહાડી અને પાઈપના ઘા ઝીંકીને દંપતીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતક દંપતી ઘરે એકલું રહેતું હતું, કારણ કે તેમના સંતાનો સુરત અને રાજકોટમાં રહે છે. લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી અને ચાંદીના કડા ગાયબ જણાયા હતા, તેમજ ઘરની તિજોરી તૂટેલી હાલતમાં મળી હતી
ઘટનાની જાણ થતાં ગામલોકોમાં રોષ અને ભયનો માહોલ સર્જાયો હતો. પાડોશીએ દંપતી આખો દિવસ ન દેખાતાં ઘરે તપાસ કરતાં ખાટલા પર બંનેની લાશ નિદ્રાધીન અવસ્થામાં મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ તેમના સુરત અને રાજકોટ રહેતા સંતાનો ગામે દોડી આવ્યા હતા। ગ્રામજનોએ પણ આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, DYSP ચિરાગ દેસાઈની આગેવાનીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ડબલ મર્ડરના કેસમાં આગળની તપાસ હાથ ધરી છે, અને આરોપીઓને ઝડપી લેવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે.
Back to top button